જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો
ખાનગી ન્યૂઝ એજન્સી સાથેની ખાસ વાતચીતમાં રિષભ પંતે કહ્યું કે તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં સાથ આપનારનો આભાર. સાથે જ કહ્યું કે તે આ સફરમાં આવનારા પડકારો માટે તૈયાર છે. ભગવાનનો આભાર માનવાનું ભૂલ્યો નથી. એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે હવે મને જીવનને જોવા માટે એક નવો દૃષ્ટિકોણ મળ્યો છે.
નાની વસ્તુઓમાં આનંદ લઉં છું
પંતે કહ્યું, ‘આજે હું જીવનનો સંપૂર્ણ આનંદ માણવામાં માનું છું, જેમાં એવી નાની બાબતોનો સમાવેશ થાય છે જેને આપણે આપણી દિનચર્યામાં અવગણીએ છીએ. આજે દરેક વ્યક્તિ કંઈક ખાસ હાંસલ કરવા માટે સખત મહેનત કરે છે, પરંતુ આપણે એવી નાની વસ્તુઓનો આનંદ લેવાનું ભૂલી ગયા છીએ જે આપણને દરરોજ ખુશી આપે છે. દુર્ઘટના પછી, હું દરરોજ મારા દાંત સાફ કરવાની સાથે સાથે તડકામાં બેસવાની મજા માણું છું. જ્યારે આપણે આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એવું લાગે છે કે આપણે જીવનમાં નિયમિત બાબતોને મહત્વ આપ્યું નથી. આ મારા માટે એક બોધપાઠ છે.
ક્રિકેટને કેટલું મિસ કરો છો?
આ સવાલના જવાબમાં ઋષભ પંત કહે છે, ‘તે કહેવું મુશ્કેલ છે, કારણ કે મારું જીવન ક્રિકેટ માટે છે, પરંતુ હવે હું ફરીથી મારા પગ પર પાછા આવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. હું સવારે જાગી જાઉં છું અને પછી મારા ફિઝિયોથેરાપિસ્ટ સાથે દિવસનું મારું પ્રથમ ફિઝિયોથેરાપી સેશન લઉં છું. તે પછી, હું બીજા સેશન માટે ફ્રેશ થવા માટે થોડો આરામ અને સમય લઉં છું. ત્યારબાદ હું મારું બીજું સેશન શરૂ કરું છું. હું કેટલી પીડા સહન કરી શકું તે મુજબ ટ્રેનિંગ લઉં છું. સાંજે ફિઝિયોથેરાપીનું ત્રીજું સેશન લઉં છું. હું તડકામાં પણ બેસવાનો પ્રયત્ન કરું છું. જ્યાં સુધી હું ફરીથી યોગ્ય રીતે ચાલવા સક્ષમ ન હોઉં ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે.