કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે
રિશભ પંત કોમર્શિયલ એરલાઈનમાં મુસાફરી કરી શકે તેમ ન હોવાથી બોર્ડ દ્વારા તેને એર એમ્બ્યુલન્સમાં એરલિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જય શાહે જણાવ્યું હતું કે, હાલમાં દેહરાદૂનમાં સારવાર લઈ રહેલા રિશભ પંતને એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવશે. મુંબઈમાં પંતને કોકીલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં દાખલ કરવામાં આવશે. જ્યાં તેની હોસ્પિટલના સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડિસિનના વડા તથા ડાયરેક્ટર-ઓર્થોસ્કોપી એન્ડ શોલ્ડલ સર્વિસના ડાયરેક્ટર ડોક્ટર દિનશા પારડીવાલાની દેખરેખમાં રાખવામાં આવશે.
બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવશે
રિશબ પંતના લિગામેન્ટ ફાટી ગયા છે અને તેની સર્જરી કરવામાં આવશે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની રિકવરી અને રિહેબિલિટેશન પર સતત નજર રાખશે. બોર્ડ રિશભ પંતની સારી રીતે રિકવરી થાય તે માટે તમામ પ્રયાસો કરશે અને આ સમયગાળા દરમિયાન તેને જે પણ સપોર્ટ જોઈએ તે પૂરો પાડશે, તેમ જય શાહે જણાવ્યું હતું.
પંત આઈપીએલ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ ગુમાવશે
રિશભ પંતના લિગામેન્ટની સર્જરી કરવામાં આવશે અને તેથી તે કેટલા સમય સુધી ક્રિકેટથી દૂર રહેશે તે ચોક્કસથી કહી શકાય તેમ નથી. જોકે, આવી ઈજામાંથી સાજા થવામાં ઘણો સમય લાગે છે. તેથી રિશભ પંત ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ સીરિઝ ગુમાવશે. આ ઉપરાંત ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2023)માં પણ તે રમી શકશે નહીં. રિશભ પંત આપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે.