અકસ્માત બાદ રિશભ પંતે પ્રથમ વખત કરી ટ્વિટ
કાર અકસ્માત થયા બાદ રિશભ પંતે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. 25 વર્ષીય ક્રિકેટરે ટ્વિટર પર લખ્યું છે કે, મને સપોર્ટ કરનારા અને શુભેચ્છાઓ મોકલનારા તમા લોકોનો હું આભારી છું. મને તે જણાવતા આનંદ થઈ રહ્યો છે કે મારી સર્જરી સફળ રહી છે. રિકવરીનો માર્ગ શૂ થઈ ગયો છે અને હું આગામી પડકારો માટે તૈયાર છું. મારો સપોર્ટ કરવા બદલ હું બીસીસીઆઈ, જય શાહ અને સરકારનો આભાર માનું છું.
લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર થઈ શકે છે પંત
રિશભ પંતની સંપૂર્ણ રિકવરીમાં ઘણો લાંબો સમય લાગી શકે છે. તે 2023 દરમિયાન મેદાનથી દૂર રહી શકે છે. તેના ઘૂંટણની સર્જરી થઈ છે. તેને સાજા થવામાં સયમ લાગશે. જેના કારણે તે આઈપીએલ-2023 અને આ વર્ષના અંતમાં રમાનારા વન-ડે વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ શકે છે. રિશભ પંત છેલ્લે બાંગ્લાદેશ પ્રવાસે ગયેલી ભારતીય ટીમનો ભાગ રહ્યો હતો. ત્યારબાદ શ્રીલંકા સામે ઘરઆંગણે રમાયેલી ત્રણ વન-ડે અને ત્રણ ટી20 મેચની સિરીઝ માટેની ભારતીય ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો ન હતો.
2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનારો રિશભ પંત ઝડપથી ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓમાં સામેલ થઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયામાં 2020-21માં ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો જેમાં રિશભ પંતનું યોગદાન ઘણું જ મહત્વનું રહ્યું હતું. ગાબામાં રમાયેલી સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટમાં તેણે ટીમને યાદગાર વિજય અપાવ્યો હતો. ચોથા દાવમાં તે નોટઆઉટ રહ્યો હતો. આ ઉપરાંત ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકામાં પણ પંત સદી ફટકારી ચૂક્યો છે. ઈંગ્લેન્ડમાં ગત વર્ષે રમાયેલી સિરીઝમાં તેણે ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.