દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોન સામે રિંકુ સિંહ બે ઈનિંગમાં માત્ર 44 રન જ નોંધાવી શક્યો છે. આ દરમિયાન તેણે 66 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેણે 7 ચોગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ દાવમાં રિંકુ સિંહને શાહબાઝ અહેમદે આઉટ કર્યો હતો જ્યારે બીજી ઈનિંગ્સમાં તેને રિયાન પરાગે પેવેલિયન ભેગો કર્યો હતો.
IPL 2023માં રિંકુ સિંહે 474 રન ફટકાર્યા હતા
રિંકુ સિંહ માટે IPL 2023 શાનદાર રહી હતી. IPLની 16મી સિઝનમાં રિંકુ સિંહે એકલા હાથે કોલકાતા નાઈટ રાઈડર્સને ગુજરાત ટાઈટન્સ સામે સતત પાંચ બોલમાં 5 છગ્ગા ફટકારવા સહિત અનેક મેચોમાં વિજય અપાવ્યો હતો. આઈપીએલની આ સિઝનમાં રિંકુ સિંહ કોલકાતા માટે 14 મેચ રમ્યો હતો જેમાં તેણે 149.53ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 474 રન ફટકાર્યા હતા. આ દરમિયાન રિંકુએ ચાર અડધી સદી ફટકારી હતી. IPL 2023માં રિંકુ સિંહે તેની ધમાકેદાર બેટિંગ દ્વારા 29 સિક્સ અને 31 ફોર ફટકારી હતી.
શું છે સેન્ટ્રલ ઝોનની સ્થિતિ?
દુલીપ ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં સેન્ટ્રલ ઝોને તેની પ્રથમ ઈનિંગ્સમાં 182 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં ઈસ્ટ ઝોન માત્ર 122 રન જ નોંધાવી શક્યું હતું. આવી સ્થિતિમાં સેન્ટ્રલને પ્રથમ દાવમાં 60 રનની મહત્વની લીડ મળી હતી. બીજા દાવમાં સેન્ટ્રલ ઝોને 239 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ રીતે ઈસ્ટ ઝોનને મેચમાં જીતવા માટે 300 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટાર્ગેટનો પીછો કરતી વખતે ત્રીજા દિવસે પૂર્વ ઝોને માત્ર 69 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં સેન્ટ્રલ ઝોનને મેચ જીતવા માટે માત્ર ચાર વિકેટની જરૂર છે.