પ્રથમ મેચ હાર્યા બાદ KKRની આ સતત બીજી જીત છે. RCB સામે સ્પિનરોએ તો આજે ગુજરાત સામે બેટ્સમેનોએ જીત અપાવી. વેંકટેશ અય્યર જીતનો હીરો હતો, તેણે માત્ર 26 બોલમાં તેની અડધી સદી ફટકારી હતી, પરંતુ 39 બોલમાં 83 રન બનાવ્યા બાદ 16મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. અંતે રિંકુ સિંહે અશક્ય જીતને શક્ય બનાવી હતી.
રાશિદ ખાનની હેટ્રિક બેકાર
હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી રહેલા રાશિદ ખાને આન્દ્રે રસેલ માટે પોતાની એક ઓવર બચાવી હતી. 16મી ઓવરના પહેલા જ બોલ પર તેણે રસેલને માત્ર 1 રન પર આઉટ કર્યો હતો. બેટની અંદરની કિનારી લઈને બોલ પેડ સાથે અથડાઈને હવામાં જતો રહ્યો, જેને વિકેટકીપર કેએસ ભરતે કેચ પકડતાની સાથે જ અપીલ કરી હતી. રિવ્યુ લીધા બાદ પહેલી વિકેટ મળી. આગલા બોલ પર સુનીલ નારાયણ ખાતું ખોલાવ્યા વગર જ ચાલ્યો ગયો. લેગ સાઈડ પર મોટો શોટ મારતા ફિલ્ડરે કેચ કર્યો હતો. શાર્દુલ ઠાકુર હેટ્રિક બોલ પર આઉટ થનારો ત્રીજો બેટ્સમેન હતો. બોલ સીધો પેડ્સ પર લાગતા જોરથી અપીલ કરવા પર અમ્પાયરે આંગળી ઉંચી કરી. KKRએ રીવ્યૂ લીધો પણ ખાલી ગયો છે. IPLની 16મી સિઝનની આ પહેલી હેટ્રિક હતી.