બેંગલોરની શાનદાર બોલિંગ સામે લખનૌના બેટર્સ ફ્લોપ રહ્યા
લખનૌ સામે 127 રનનો આસાન કહી શકાય તેવો લક્ષ્યાંક હતો પરંતુ બેંગલોરના બોલર્સે તેનો અદ્દભુત બચાવ કર્યો હતો. બેંગલોરની શાનદાર બોલિંગ સામે લખનૌની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી. 38 રનમાં તો અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ઓપનર કાયલે માયર્સ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જ્યારે તેનો સાથી ઓપનર ફક્ત ચાર રન નોંધાવીને આઉટ થયો હતો. દીપક હૂડાએ એક રન નોંધાવ્યો હતો. ટોપ ઓર્ડરમાં કૃણાલ પંડ્યાએ 11 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 14 રન ફટકાર્યા હતા.
જોકે, મિડલ ઓર્ડરનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. માર્ક્સ સ્ટોઈનિસે 13 રન નોંધાવ્યા હતા જ્યારે નિકોલસ પૂરન નવ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. કે ગૌતમે ટીમ માટે સૌથી વધુ 23 રન નોંધાવ્યા હતા. તેણે 13 બોલની ઈનિંગ્સમાં એક ચોગ્ગો અને બે સિક્સર ફટકારી હતી. જ્યારે અમિત મિશ્રાએ 19 અને નવીન ઉલ હકે 13 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે તે 11માં ક્રમે બેટિંગમાં આવ્યો હતો અને ખાતું ખોલાવ્યા વગર નોટઆઉટ રહ્યો હતો. બેંગલોર માટે જોશ હેઝલવૂડ અને કર્ણ શર્માએ બે-બે તથા મોહમ્મદ સિરાજ, ગ્લેન મેક્સવેલ, વાનિન્દુ હસારંગા તથા હર્ષલ પટેલે એક-એક વિકેટ ઝડપી હતી.
કોહલી અને ડુપ્લેસિસને બાદ કરતાં અન્ય બેટર્સ નિષ્ફળ, બેંગલોરનો ધબડકો
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસની ઓપનિંગ જોડીની બેટિંગ ધીમી રહી હતી. જેના કારણે ટીમને જોઈએ તેવી શરૂઆત મળી શકી ન હતી. આ જોડીએ નવ ઓવરમાં 62 રનની ભાગીદારી નોંધાવી હતી. વિરાટ કોહલીએ 30 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 31 રન નોંધાવ્યા હતા. જ્યારે ફાફ ડુપ્લેસિસ 40 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 44 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, કોહલી આઉટ થવાની સાથે જ બેંગલોરનો ધબડકો થયો હતો.
અનુજ રાવત નવ, ગ્લેન મેક્સવેલ ચાર, પ્રભુ દેસાઈ છ રન, લોમરોર ત્રણ અને કર્ણ શર્મા બે રન નોંધાવીને આઉટ થયા હતા. દિનેશ કાર્તિકે 11 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 16 રનનું યોગદાન આપ્યું હતું. બેંગલોરની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 126 રન જ નોંધાવી શકી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ માટે નવીન-ઉલ-હકે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ બિશ્નોઈ અને અમિત મિશ્રાને બે-બે તથા કે ગૌતમને એક સફળતા મળી હતી.