ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલની આક્રમક અડધી સદી
227 રનના લક્ષ્યાંકના જવાબમાં બેંગલોરની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. ઓપનર વિરાટ કોહલી છ રન નોંધાવીને આઉટ થયા બાદ મહિપાલ લોમરોર ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થઈ ગયો હતો. 15 રનના સ્કોરે બેંગલોરે બે વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારપછી કેપ્ટન ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલની જોડીએ તોફાન મચાવ્યું હતું. આ જોડીએ સદીની ભાગીદારી નોંધાવી હતી. તેમણે ચેન્નઈના બોલર્સની ધોલાઈ કરતાં 126 રનની ભાગીદારી નોંધાવી હતી.
આ બંને બેટિંગ કરી રહ્યા હતા ત્યારે ટીમના વિજયની આશા હતી. પરંતુ બંને આઉટ થઈ ગયા બાદ અન્ય બેટ્સમેનો વધારે લડત આપી શક્યા ન હતા. ડુપ્લેસિસે 33 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 62 રન નોંધાવ્યા હતા. જ્યારે મેક્સવેલે 36 બોલમાં ત્રણ ચોગ્ગા અને આઠ સિક્સરની મદદથી 76 રન ફટકાર્યા હતા. દિનેશ કાર્તિકે 28 અને સુયશ પ્રભુદેસાઈએ 19 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે તુષાર દેશપાંડેએ ત્રણ, પથિરાનાએ બે તથા આકાશ સિંહ, મહીશ તિક્સના અને મોઈન અલીએ એક-એક વિકેટ ઝડપી હતી.
ડેવોન કોનવે અને શિવમ દૂબેની તોફાની અડધી સદી
બેંગલોરે ટોસ જીતીને ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ ફક્ત ત્રણ રન નોંધાવીને આઉટ થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ ઓપનર ડેવોન કોનવે અને અજિંક્ય રહાણેની જોડીએ તાબડતોબ અંદાજમાં બેટિંગ કરી હતી. કોનવે અને રહાણેએ 74 રનની ભાગીદારી નોંધાવી હતી. રહાણેએ 20 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 37 રન ફટકાર્યા હતા. રહાણે આઉટ થયો હતો ત્યારે ટીમનો સ્કોર 9.3 ઓવરમાં 90 રન હતો.
આમ રહાણે અને કોનવેએ ટીમના સ્કોરને ઝડપથી આગળ ધપાવ્યો હતો. તેનો ફાયદો ઉઠાવતા શિવમ દૂબેએ પણ તોફાની અંદાજમાં બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તેણે 27 બોલમાં બે ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી 52 રન ફટકાર્યા હતા. જ્યારે કોનવેએ ટીમ માટે સૌથી વધુ 83 રન ફટકાર્યા હતા. તેણે પોતાની 45 બોલની ઈનિંગ્સમાં છ ચોગ્ગા અને છ સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત અંબાતી રાયડૂએ 14 તથા મોઈન અલીએ અણનમ 10 રન ફટકાર્યા હતા. બેંગલોર માટે સિરાજ, પાર્નેલ, વિજયકુમાર, મેક્સવેલ, હસારંગા અને હર્ષલ પટેલે એક-એક વિકેટ ખેરવી હતી.