જાડેજા (34 વર્ષ) આ સમયે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (એનસીએ)માં ‘રિહેબિલિટેશન’ની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે અને તેને 9 ફેબ્રુઆરીએ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી ચાર મેચોની શ્રેણી પહેલા બે ટેસ્ટ માટે 17 સભ્યોની ટીમમાં સ્થાન અપાયું છે. જોકે, તેની ઉપલબ્ધતા તેની ફિટનેસ પર નિર્ભર કરશે અને જાડેજા ફિટ છે કે નહીં, તેનો ફેંસલો ચાર દિવસીય રણજી ટ્રોફી મેચ દમરિયાન જ થવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ (SCA) અધ્યક્ષ જયદેવ શાહે કહ્યું કે, ‘સારું રહેશે, જો તે સૌરાષ્ટ્ર માટે રમે છે તો. કદાચ તે રમશે, પરંતુ મને તેના વિશે વધુ જાણકારી નથી.’ રિપોર્ટ મુજબ, જાડેજાએ આ સપ્તાહની શરૂઆતમાં બેટિંગ અને બોલિંગ કરવાનું શરૂ કર્યું હતું, કેમકે તે એનસીએમાં પોતાનું રિહેબિલિટેશન પુરું કરવા તરફ છે.
જાડેજાને ટીમ ઈન્ડિયાની લાઈન-અપમાં મીડલ ઓર્ડરમાં 5 કે 6 નંબર પર મહત્વપૂર્ણ ખેલાડી તરીકે જોવામાં આવે છે. ખાસ કરીને રિશભ પંતની ગેરહાજરીમાં. સાથે જ તેની સ્પિન બોલિંગ પણ ચાર મેચોની શ્રેણીમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની સાથે ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ શ્રેણીથી ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સતત બીજી વખત પ્રવેશ શક્ય બની શકે છે. ઓસ્ટ્રેલિયા સામે 2016-17ની શ્રેણીમાં જાડેજાએ મહત્વની ભૂમિકા નિભાવી હતી, જેમાં તેણે 25 વિકેટ ઝડપી હતી અને 127 રન બનાવ્યા હતા. જેના માટે તેણે પ્લેયર ઓફ ધ સીરિઝની ટ્રોફી મળી હતી. જાડેજાએ 2017થી 19 ટેસ્ટમાં 82 વિકેટ ઝડપી છે અને 52.82ની સરેરાશથી 898 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને સાત અડધી સદી સામેલ છે.