આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ ઓસ્ટ્રેલિયન મીડિયાએ તેના પર બોલ ટેમ્પરિંગનો આરોપ પણ લગાવ્યો હતો. આ ઘટના મેચના પ્રથમ દિવસે બની હતી જ્યારે જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ્સની 46મી ઓવર દરમિયાન પોતાની આંગળી પર સૂધિંગ ક્રીમ લગાવી હતી. જાડેજાની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં સૌરાષ્ટ્રનો ઓલ-રાઉન્ડર મોહમ્મદ સિરાજની હથેળી પરથી કંઈક લઈને પોતાના ડાબા હાથની પ્રથમ આંગળી પર ઘસતો જોવા મળે છે.
આનો વિડીયો વાયરલ થયા બાદ ઓસ્ટ્રેલિયન મીડિયાએ રવિન્દ્ર જાડેજા પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો હતો. જોકે, ભારતીય ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે જાડેજા જે હાથથી બોલિંગ કરે છે તેની પ્રથમ આંગળી પર સોજો હોવાના કારણે તેણે ક્રીમ લગાવી હતી. નોંધનીય છે કે 24 મહિનામાં જાડેજાનો આ પ્રથમ ગુનો છે અને તેને 25 ટકા મેચ ફીનો દંડ ફટકારવા ઉપરાંત એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. જાડેજાએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
ભારતનો એક ઈનિંગ્સ અને 132 રને વિજય
પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય બોલર્સ અને ખાસ કરીને સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સામે ઘૂંટણીયે પડી ગયા હતા. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ઘાતક બોલિંગ પ્રદર્શન કર્યું હતું અને પાંચ વિકેટ ઝડપી હતી જેના કારણે ઓસ્ટ્રેલિયા 177 રનમાં ઓલ-આઉટ થઈ ગયું હતું. જેના જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 400 રનનો સ્કોર ખડક્યો હતો. જેમાં કેપ્ટન રોહિત શર્માએ 120 રનની લાજવાબ ઈનિંગ્સ રમી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 70 અને અક્ષર પટેલ 84 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે 223 રનની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, બીજા દાવમાં અશ્વિન કાંગારૂઓ માટે કાળ બન્યો હતો. ઓસ્ટ્રેલિયા 91 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારત એક ઈનિંગ્સથી જીતી ગયું હતું. અશ્વિને પાંચ તથા રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલને એક સફળતા મળી હતી.