રવિન્દ્ર જાડેજાએ એક ઈમોજી સાથે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, 24 કલાક માટે હું મારા મિત્ર નાથન લાયનને ફોલો કરી રહ્યો છું. આ સાથે જાડેજાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલનો સ્ક્રીનશોટ પણ રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયન સ્પિનરે જાડેજાની ઈન્સ્ટા સ્ટોરીનો સ્ક્રીનશોટ લઈને પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની પ્રથમ બંને ટેસ્ટમાં ભારતે લાજવાબ પ્રદર્શન કરતાં વિજય નોંધાવ્યો હતો. આ સાથે રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે 2-0ની સરસાઈ મેળવીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રિટેન કરી લીધી છે. નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે એક ઈનિંગ્સ અને 132 રને વિજય નોંધાવ્યો હતો. જ્યારે દિલ્હી ખાતેની બીજી ટેસ્ટમાં ટીમ છ વિકેટ જીતી હતી. પ્રથમ બંને ટેસ્ટમાં ભારતની સ્પિન જોડી રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને તરખાટ મચાવી દીધો છે.
નોંધનીય છે કે ગત વર્ષે રમાયેલા એશિયા કપ દરમિયાન જાડેજાને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી હતી. તેના કારણે તે ટી20 વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયા સીરિઝ પહેલા તેણે પોતાની ફિનેટસ સાબિત કરવા માટે રણજી ટ્રોફીની મેચ રમી હતી. બાદમાં ઓસ્ટ્રેલિયા સામે તેણે ઈન્ટરનેશનલ લેવલે કમબેક કર્યું છે અને પ્રથમ બે મેચમાં જ પોતાની મહત્વતા દેખાડી દીધી છે. દિલ્હીમાં જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.