હકીકતમાં, ભારત માટે 7 ટેસ્ટ મેચ રમી ચૂકેલા અભિનવ મુકુંદે પોતાના સાથી પ્લેયરને ટ્રોલ કરતા આ વિડીયોને ટ્વિટ કર્યો અને કેપ્શનમાં લખ્યું હતું, ‘મેં આ વિડીયો ઘણી વખત જોયો. અશ્વિન પ્લીઝ જણાવો કે તમે તમારું જેકેટ કઈ રીતે ઓળખ્યું?’ અશ્વિને પોતાના રાજ્ય તમિળનાડુના ટીમમેટ રહેલા અભિનવ મુકુંદને કંઈક આ અંદાજમાં જવાબ આપ્યો.
અશ્વિને જણાવ્યું કે, તે પરફ્યુમ સૂંઘી રહ્યો હતો. અશ્વિને મજેદાર અંદાજમાં ટ્વિટ કરી.
સુપર-12 રાઉન્ડની છેલ્લી મેચમાં ભારતની ટક્કર ઝિમ્બાબ્વે સામે હતી. આ મેચમાં રોહિતની સેનાએ એકતરફી જીત મેળવી હતી. ટોસ જીત્યા પછી રોહિત શર્મા પોતાની ટીમ અંગે ટીવી રિપોર્ટર સાથે વાત કરી રહ્યો હતો. તે દરમિયાન તેની પાછળ રવિચંદ્રન અશ્વિન બે જેકેટ લઈને ઊભો હતો. અશ્વિન વારાફરતી બંને જેકેટને સૂંઘી રહ્યો હતો. બાદમાં તે એક જેકેટને જમીન પર મૂકી દે છે અને બીજું લઈને જતો રહે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
ઝિમ્બાબ્વે સામેની મેચમાં રવિચંદ્રન અશ્વિને ભારતની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેણે 4 ઓવરમાં 22 રન આપી 3 વિકેટ ઝડપી ઝિમ્બાબ્વેને 115 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ટીમ ઈન્ડિયા હવે ટી-20 વર્લ્ડ કપ કબજે કરવા માટે માત્ર જીત દૂર છે. 10 નવેમ્બરે ભારતનો સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે મુકાબલો થશે. તે પહેલા 9 નવેમ્બરે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ રમાશે. ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ 13 નવેમ્બરે રમાશે.