કપિલ દેવ બાદ ફક્ત રવિચંદ્રન અશ્વિન
જોવામાં આવે તો ભારતમાં અત્યાર સુધી ફક્ત બે જ ટેસ્ટ ઓલ-રાઉન્ડર થયા છે. પહેલા છે કપિલ દેવ અને બીજો છે રવિચંદ્રન અશ્વિન. 3000થી વધુ રન અને 400થી વધુ વિકેટ લેવી તે પ્રત્યેક ખેલાડીની ક્ષમતાની વાત નથી. 36 વર્ષીય અશ્વિન વર્તમાન ટીમમાં સૌથી સીનિયર ક્રિકેટર છે. થોડા વર્ષ પહેલા તમામ લોકો કહી રહ્યા હતા કે અશ્વિનની બેટિંગ પર કોઈ શંકા નથી, તેની પાસે ઘણી પ્રતિભા છે. એટલે સુધી કે ટેસ્ટ સદી પણ પરંતુ દબાણમાં તે કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં અશ્વિને ઘણી એવી ઈનિંગ્સ રમી છે જ્યાં તેણે બેટ વડે પણ ટીમમાં ઉપયોગી પ્રદર્શન કર્યું હતું.
અશ્વિનનો કોઈ તોડ નથી
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં તોફાની ઓસ્ટ્રેલિયન બોલિંગ આક્રમણ સામે અશ્વિન એક પર્વતની જેમ અડગ રહ્યો હતો. ચેપોકમાં તે સદી જ્યાં ઈંગ્લેન્ડના બેટર્સ પિચની ફરિયાદ કરી રહ્યા હતા ત્યારે અશ્વિન બોલર્સની ધોલાઈ કરી રહ્યો હતો. આ યાદીમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મીરપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ પણ જોડાઈ ગઈ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહોંચવા માટે ભારતને આ ટેસ્ટ જીતવી જરૂરી હતી. અશ્વિને કમાલ કરી દીધી, અને જો આ પ્રદર્શન હજી પૂરતું નથી તો જરા ટીમ પર એક નજર કરો. રવિન્દ્ર જાડેજાનું સ્થાન લેવા માટે અક્ષર પટેલ પૂરી રીતે તૈયાર છે પરંતુ અશ્વિન જેવો ક્લાસિકલ ઓફ સ્પિનર આપણી પાસે નથી.
સુકાની પદનો પ્રબળ દાવેદાર
વર્તમાન ભારતીય થિંક ટેન્ક અશ્વિનને વિદેશી પિચો પર રમાડતા નથી. ભલે ટીમમાં પાંચ બોલર્સ હોય પરંતુ અશ્વિનને પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખવામાં આવે છે. જોકે, ભારતીય ઉપખંડોમાં પરત ફરતા જ અશ્વિન ફર્સ્ટ ચોઈસ સ્પિનર બની જાય છે. હાલમાં ભારતીય ટીમ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. ટેસ્ટમાં કોઈ વિશ્વસનીય સુકાની નથી. તેમ છતાં પસંદગીકારોએ ક્યારેય અશ્વિન તરફ ધ્યાન નથી આપ્યું. ઉપ-સુકાની પદ માટે પણ લાયક નથી સમજ્યો. વિરાટ કોહલીએ કેપ્ટનસી છોડી ત્યારે ખરાબ ફિટનેસ માટે જાણીતા રોહિત શર્મા પર વિશ્વાસ મૂક્યો. જસપ્રિત બુમરાહ અને લોકેશ રાહુલને પણ તક આપી. પરંતુ અશ્વિનને એક પણ વખત તક આપવામાં આવી નથી.