ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા ટોચ પર
ભારતનો રવિન્દ્ર જાડેજા 434 પોઈન્ટ સાથે ઓલ-રાઉન્ડર્સની યાદીમાં ટોચ પર છે. અશ્વિન પણ આ યાદીમાં બીજા સ્થાને યથાવત છે પરંતુ ઓલ-રાઉન્ડર્સની યાદીમાં અક્ષર પટેલ પાંચમા સ્થાને સરકી ગયો છે. વિકેટકીપર બેટ્સમેન રિશભ પંત ગત વર્ષે ડિસેમ્બરમાં કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ ક્રિકેટથી દૂર છે અને તે 10મા નંબરે ભારતનો ટોચનો બેટ્સમેન છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી અનુક્રમે 12માં અને 14માં સ્થાને છે.
જો રૂટ પાંચમાં સ્થાને પહોંચી ગયો
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રુટ પાંચમા સ્થાને સરકી ગયો છે અને વિલિયમસન ફરી એકવાર નંબર વન બેટ્સમેન બની ગયો છે. વિલિયમસન છઠ્ઠી વખત રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો છે. તેણે નવેમ્બર 2015માં પ્રથમ વખત ટોપ રેન્કિંગ હાંસલ કર્યું હતું. તે છેલ્લે ઓગસ્ટ 2021માં નંબર વન બેટ્સમેન બન્યો હતો. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડ સામેની બીજી એશિઝ ટેસ્ટમાં 110 અને 34 રનની ઈનિંગ્સ રમી હતી અને મેન ઓફ ધ મેચ રહ્યો હતો. જેના કારણે તેણે ચાર સ્થાનની છલાંગ લગાવી છે અને બીજા સ્થાને પહોંચી ગયો છે.
ટોપ-4માં ત્રણ ઓસ્ટ્રેલિયન
સ્મિથે છેલ્લે જૂન 2021માં વિલિયમસનને પછાડીને ટોચની રેન્કિંગ હાંસલ કરી હતી. તે થોડા અઠવાડિયા સુધી ટોચ પર હતો જે પછી વિલિયમસન ફરીથી નંબર વન બેટ્સમેન બન્યો. બેટિંગ લિસ્ટમાં ટોચના સ્થાનો માટે આકરી સ્પર્ધા છે. સાપ્તાહિક રેન્કિંગ અપડેટમાં સ્મિથ વિલિયમસનના 883 રેટિંગ પોઈન્ટથી માત્ર એક પોઈન્ટ પાછળ છે. ત્રીજા સ્થાને રહેલા માર્નસ લબુશેન (873) અને ટ્રેવિસ હેડ વચ્ચે પણ માત્ર એક પોઈન્ટનો તફાવત છે. ઈંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટે 24 સ્થાનની છલાંગ લગાવી છે અને તે પ્રથમ વખત ટોપ 20માં પહોંચ્યો છે. તેણે બીજી એશિઝ ટેસ્ટમાં 98 અને 83 રનની ઈનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ પણ બીજી ઈનિંગમાં 155 રન બનાવ્યા બાદ નવ સ્થાન આગળ વધીને 23મા સ્થાને પહોંચી ગયો છે.