આ મેચ પહેલા તે આ રેકોર્ડથી પાંચ વિકેટ દૂર હતો. અશ્વિને ટ્રેવિસ હેડને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ કરાવીને મેચની પ્રથમ વિકેટ ઝડપી હતી. જ્યારે બીજા દિવસે પ્રથમ સત્રમાં કોઈ વિકેટ પડી ન હતી. જ્યારે બીજા સત્રમાં તેણે સદી ફટકારનારા કેમેરોન ગ્રીનને આઉટ કર્યો હતો. બાદમાં વિકેટકીપર એલેક્સ કેરી ખાતું ખોલાવે તે પહેલા જ તેને પેવેલિયન ભેગો કરી દીધો હતો. ત્યારપછી મિચેલ સ્ટાર્ક અશ્વિનનો આગામી શિકાર બન્યો હતો. જોકે, તે આટલેથી અટક્યો ન હતો. તેણે પ્રથમ દાવમાં છઠ્ઠી વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયનના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી.
નાથન લાયનના રેકોર્ડની કરી બરાબરી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે અશ્વિને અનિલ કુંબલેના રેકોર્ડને તોડ્યા બાદ ઓસ્ટ્રેલિયન સ્ટાર નાથન લાયનના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. નાથન લાયને 22 ટેસ્ટમાં 113 વિકેટ ઝડપી છે. જ્યારે અશ્વિને 26 ટેસ્ટમાં 113 વિકેટ પોતાના નામે કરી છે. અનિલ કુંબલેની 111 વિકેટ છે. હાલમાં રમી રહેલા હોય તેવા ક્રિકેટર્સમાં રવિન્દ્ર જાડેજા છે જેણે અત્યાર સુધી 85 વિકેટ ઝડપી છે. હરભજન સિંહે 95 વિકેટ ખેરવી હતી.
રેકોર્ડને નોંધાવ્યા બાદ પણ અશ્વિનને હશે અફસોસ
અશ્વિને મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને મોટો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. પરંતુ તેને એક અફસોસ ચોક્કસથી રહ્યો હશે કે તે વહેલા આ વિકેટ ઝડપી શક્યો નહીં. અશ્વિને જો પ્રથમ દિવસે વધુ વિકેટ ઝડપી હોત તો પરિસ્થિતિ થોડી અલગ રહી હોત. ભારત માટે આ મેચ જીતવી ઘણી જરૂરી છે. જો ભારત આ ટેસ્ટ હારી જશે તો આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાઈ થવા તેને શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી સીરિઝના પરીણામ પર આધાર રાખવો પડશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા સીરિઝની ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ જીતવાની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ગયું છે.