આ દરમિયાન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (ટેસ્ટ, વન-ડે અને T20 આંતરરાષ્ટ્રીય સંયુક્ત) 700 વિકેટ પૂરી કરી હતી. આ સિદ્ધિ નોંધાવનારો તે ભારતનો ત્રીજો બોલર બન્યો છે. આ યાદીમાં અનિલ કુંબલે 956 વિકેટ સાથે પ્રથમ અને હરભજન સિંહ 711 વિકેટ સાથે બીજા ક્રમે છે. પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ જ્યારે અશ્વિનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની લાંબી સફર અને આ દરમિયાન આવેલા ઉતાર-ચઢાવ વિશે પૂછવામાં આવ્યું તો તેણે ખૂબ જ સમજદારીપૂર્વક જવાબ આપ્યો હતો.
તેણે કહ્યું હતું કે, આ દુનિયામાં એવો કોઈ ક્રિકેટર કે માનવી નથી જે આવા ઉતાર-ચઢાવમાંથી પસાર ન થયો હોય. જ્યારે તમે નિષ્ફળતાનો સામનો કરો છો ત્યારે તમારી પાસે બે વિકલ્પ હોય છે, કાં તો હતાશ થાઓ, તેના વિશે વાત કરો અને પછી ફરિયાદ કરો. અથવા તેમાંથી શીખો. તેથી જ હું એવી વ્યક્તિ છું જે આ વસ્તુઓમાંથી સતત શીખી રહ્યો છું.
તેણે કહ્યું હતું કે, તેના બદલે આજે (મારા સારા પ્રદર્શન પર) મારા સારા દિવસે હું જે શ્રેષ્ઠ કામ કરીશ તે એ છે કે સારું ખાવું, સારી વાતો કરવી, મારા પરિવાર સાથે વાત કરવી, પથારીમાં જવું અને આ બધું ભૂલી જવું. જ્યારે તમારો દિવસ સારો હોય, ત્યારે તમે જાણો છો કે તમારો દિવસ સારો રહ્યો છે પરંતુ એવી વસ્તુઓ છે જેના પર તમે કામ કરી શકો છો અને આવતીકાલમાં સુધારો કરી શકો છો. શ્રેષ્ઠતાની સતત શોધ એ જ મને સારી સ્થિતિમાં રાખી છે, પરંતુ તે થકવી નાખનારી પણ રહી છે.
તેણે ઉમેર્યું હતું કે, આ સફર એટલી સરળ પણ નથી રહી. તે મારા માટે ખૂબ જ થકવી નાખનારી સફર રહી છે પરંતુ હું તે તમામ નિષ્ફળતાઓ માટે ખૂબ જ આભારી છું કારણ કે તેના વિના સફળતા મળી શકી ન હોત. ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં તેને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. જેનાથી તે ખૂબ જ નિરાશ થયો હતો. તેણે કહ્યું હતું કે, મેં તેના વિશે વાત કરી છે.