અશ્વિને અનિલ કુંબલેનો રેકોર્ડ તોડી નાંખ્યો
અશ્વિને ટેસ્ટમાં પોતાની 450 વિકેટ પૂરી કરી હતી અને આ સાથે તેણે ટેસ્ટમાં સૌથી ઝડપી 450 વિકેટ ઝડપનારો ભારતીય બોલર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ અનિલ કુંબલેના નામે હતો. જોકે, અશ્વિન ટેસ્ટમાં 450 વિકેટ ઝડપનારો અનિલ કુંબલે બાદ ફક્ત બીજો ભારતીય બોલર છે. અશ્વિને પોતાની 89મી ટેસ્ટમાં 450 વિકેટ પૂરી કરી છે. જ્યારે અનિલ કુંબલેએ આ માટે 93 ટેસ્ટ મેચ રમી હતી. આ યાદીમાં શ્રીલંકાનો લિજેન્ડરી સ્પિરન મુથૈયા મુરલીધરન પ્રથમ સ્થાને છે. તેણે 80 ટેસ્ટમાં 450 વિકેટ ઝડપી હતી.
એલેક્સ કેરી બન્યો અશ્વિનનો 450મો શિકાર
અશ્વિને પ્રથમ દિવસે પ્રભાવશાળી બોલિંગ કરી હતી. એલેક્સ કેરીને આઉટ કરીને તેણે પોતાની 450 વિકેટ પૂરી કરી હતી. અશ્વિને પ્રથમ દાવમાં 42 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને તેની કુલ ટેસ્ટ વિકેટ 452 પર પહોંચી ગઈ છે. 450 ટેસ્ટ વિકેટ ઉપરાંત અશ્વિને 113 વન-ડેમાં 151 વિકેટ અને 65 ટી20 મેચમાં 72 વિકેટ ઝડપી છે. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે તે વિશ્વમાં નવમાં ક્રમે છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 800 વિકેટ ઝડપી છે. જ્યારે અનિલ કુંબલે 619 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર છે. તે આ યાદીમાં ચોથા ક્રમે છે.