ફિફાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, આલ્કોહોલ ફક્ત ફેન ઝોન્સમાં જ મળશે. જ્યારે કતારના ફિફા વર્લ્ડ કપ સ્ટેડિયમોમાં બીયર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રવિવારે કતાર અને ઈક્વાડોર વચ્ચે પ્રથમ મેચ સાથે ફૂટબોલના મહાકુંભનો પ્રારંભ થવાનો છે અને તે માટે સ્ટેડિયમમાં ડઝન જેટલા બીયર ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. જોકે, હવે તેને હટાવી દેવામાં આવશે.
કતારે આશા વ્યક્ત કરી છે કે આ વર્લ્ડ કપ ઘણો જ સફળ રહેશે. કતારને આશા છે કે 29 દિવસ ચાલનારી ટુર્નામેન્ટમાં એક મિલિયનથી વધારે ફૂટબોલ પ્રેમીઓ દેશની મુલાકાત લેશે. વર્લ્ડ કપ માટે ફિફાને લાંબા સમયથી બીયર બનાવતી મોટી કંપની બડવાઈઝર સાથે કરાર છે. ફિફાએ જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટના આયોજકો બીયર કંપનીની સમજની પ્રશંસા કરે છે.
જોકે, કતારમાં કેટલીક જગ્યાઓએ બીયર ઉપલબ્ધ બનશે. સ્ટેડિયમમાં વીઆઈપી સ્યૂટમાં બીયર ઉપલબ્ધ રહેશે અને આ બીયરનું વેચાણ ફૂટબોલનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત દોહામાં ફિફાના મુખ્ય ફેન ઝોનમાં પણ બીયરનું વેચાણ થશે. જ્યારે કેટલાક પ્રાઈવેટ ફેન ઝોન અને 30 જેટલી હોટલ અને રેસ્ટોરાંમાં પણ બીયર ઉપલબ્ધ રહેશે.