પૃથ્વી શૉએ જે અંદાજમાં બેટિંગ કરી રહ્યો હતો, તેના પરથી લાગતું હતું કે, 400 રન સરળતાથી પાર કરી દેશે, પરંતુ સ્પિનર રિયાન પરાગે તેને એલબીડબલ્યુ આઉટ કરી દીધો. હવે, પૃથ્વી મુંબઈ રણજી ટીમના ઈતિહાસનો સૌથી મોટો સ્કોરર પણ બની ગયો છે. આજે (બુધવારે) મેચના બીજા દિવસે પોતાના ગઈકાલ (મંગળવાર)ના સ્કોર 240 રનથી પોતાની ઈનિંગ્સ આગળ વધારી હતી અને જોત-જોતામાં ત્રિપલ સેન્ચુરી ફટકારી દીધી હતી. ગુવાહાટીમાં ચાલી રહેલી ગ્રુપ-બીની મેચમાં સ્ટમ્પ્સના સમયે તેની સાથે 73 રન બનાવીને રમી રહેલો કેપ્ટન અજિંક્ય રહાણે સદી ફટકારી ચૂક્યો છે. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 401 રનની ઐતિહાસિક ભાગીદારી થઈ. આ પહેલા પૃથ્વીએ ડેબ્યુ કરી રહેલા મુશીર ખાન (42 રન)ની સાથે પહેલી વિકેટ માટે 123 અને અરમાન જાફર (27 રન) સાથે બીજી વિકેટ માટે 74 રન જોડ્યા હતા.
ગાવસ્કર, પુજારા, લક્ષ્મણ બધા પાછળ છૂટ્યા
પૃથ્વીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની પહેલી ત્રિપલ સેન્ચુરી માત્ર 326 દડામાં બનાવી અને તે પછી ગિયર બદલતા 100ની સ્ટ્રાઈક રેટથી રન બનાવવા લાગ્યો. તેણે રણજી ટ્રોફીમાં મુંબઈ માટે મહાન ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરના 340 રનના રેકોર્ડને તોડ્યો. તે પછી ભારતના ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પુજારા અને વીવીએસ લક્ષ્મણના સ્કોરને પણ પાછળ છોડ્યો. પુજારાએ રણજી ટ્રોફીની 2012-13ની સીઝનમાં કર્ણાટક સામે સૌરાષ્ટ્ર માટે 352 રન બનાવ્યા હતા, જ્યારે લક્ષ્મણે 1999-2000ની સીઝનમાં હૈદરાબાદ માટે કર્ણાટક સામે 353 રન બનાવ્યા હતા.
પૃથ્વી શૉએ ફરી ખખડાવ્યો ટીમ ઈન્ડિયાનો દરવાજો
પૃથ્વી શોએ ભારત માટે પાંચ ટેસ્ટ મેચ રમી છે. છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે 17-19 ડિસેમ્બર, 2020એ એડિલેટમાં રમી હતી. બીસીસીઆઈ પસંદગી સમિતિએ હજુ સુધી ન્યૂઝીલેન્ડની સામે આગામી લિમિટેડ ઓવરોની સીરિઝ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત નથી કરી અને શૉની ત્રિપલ સેન્ચુરી ચોક્કસથી પસંદગી સમિતિનું ધ્યાન આકર્ષિત કરવા માટે પૂરતી છે. આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સના આ ક્રિકેટરને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર ફોર્મ છતાં પસંદગી સમિતિએ સતત નજરઅંદાજ કર્યો, પરંતુ હવે આ રેકોર્ડ તોડ ઈનિંગ્સની સાથે તેને નજરઅંદાજ કરવો મુશ્કેલ હશે.