Today News

prithvi shaw, પૃથ્વી શોની પર્સનલ લાઈફનો ઠેકેદાર કોણ… કેમ બરબાદ કરવામાં આવી રહી છે તેની કારકિર્દી? – prithvi shaw is bcci westing a talented young cricketer

prithvi shaw, પૃથ્વી શોની પર્સનલ લાઈફનો ઠેકેદાર કોણ... કેમ બરબાદ કરવામાં આવી રહી છે તેની કારકિર્દી? - prithvi shaw is bcci westing a talented young cricketer


પૃથ્વી શોએ ભારતની પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં રનનો વરસાદ કરી દીધો છે. તેણે આસામ વિરુદ્ધ રમાયેલી મેચમાં 383 બોલમાં 49 ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 379 રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. આ ઈનિંગ્સ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 98.96નો રહ્યો હતો જે દેખાડે છે કે આ નાના કદનો ખેલાડી કેટલા વિસ્ફોટક અંદાજમાં રમ્યો હશે. એવું નથી કે પૃથ્વી શો પ્રથમ વખત આ રીતે રમ્યો છે. પહેલા પણ તેણે આ પ્રકારની બેટિંગ કરી હતી પરંતુ પસંદગીકારો અને ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ તેની અવગણના કરતા રહ્યા છે. તે વાત સમજાતી નથી કે એક યુવા ટેલેન્ટ જોરદાર પ્રદર્શન છતાં ટીમ ઈન્ડિયામાં કેમ નથી, જ્યારે ઘણા એવા ખેલાડીઓ છે જેમની સામે ઘણા સમયથી સવાલો ઉઠી રહ્યા છે.

હાર્દિક પંડ્યા, કોહલી અને લોકેશ રાહુલને સમર્થન, તો પૃથ્વી શોની અવગણના કેમ?
ટી20 વર્લ્ડ કપ 2021માં ખરાબ પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યા ટીમની બહાર થયો હતો અને આઈપીએલ દ્વારા તેણે દમદાર કમબેક કર્યું હતું. લોકેશ રાહુલ છેલ્લા ઘણા સમયથી સારું પ્રદર્શન કરી શક્યો નથી. તેમ છતાં તેને સતત પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી રહ્યું છે. વિરાટ કોહલી પણ ત્રણ વર્ષ સુધી અપેક્ષા પ્રમાણેનો દેખાવ કરી શક્યો ન હતો. જોકે, ટીમ મેનેજમેન્ટ, કેપ્ટન અને કોચે તેનું સમર્થન કર્યું હતું. કંઈક આવું જ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે સાથે પણ થયું હતું. તેમાં કંઈ ખોટું પણ નથી કેમ કે ખરાબ સમયમાં સપોર્ટ મળવો જ જોઈએ. પરંતુ પૃથ્વી શોનું નામ આવતાં જ પર્સનલ લાઈફને લઈને ફરિયાદ શરૂ થઈ જાય છે જે કોઈને સમજાતી નથી.

પૃથ્વી શો ડોમેસ્ટિક ક્રિકેટમાં ફિટ તો ઈન્ટરનેશનલ માટે અનફિટ કેમ?
કવર ડ્રાઈવથી લઈને પૂલ શોટ સુધી ક્રિકેટિંગ શોટ્સમાં માહિર પૃથ્વી શોને લઈને ના તો એવી ખબર છે જે એક ખેલાડી અંગે ના હોવી જોઈએ અને તેના પર એવો કોઈ આરોપ પણ નથી. સૌથી મોટી આશ્ચર્યજનક વાત એ છે કે પૃથ્વી શો ડોમેસ્ટિક ક્રિકેટમાં ફિટ છે તો પછી ઈન્ટરનેશનલ કેમ ના રમી શકે? ઈન્ટરનેશનલ ટીમમાં પસંદગીનો માપદંડ સારું પ્રદર્શન અને ફિટનેસ છે તો પૃથ્વી શોમાં આવી કોઈ ખોટ દેખાતી નથી. તમામ લોકોનું માનવું છે કે તેનું પ્રદર્શન લાજવાબ રહ્યું છે. જો ફિટનેસની જ વાત હોય તો ટીમમાં પસંદગી માટે તેનો યો-યો અને ડેક્સા ટેસ્ટ લઈ જુઓ. જો ટેસ્ટમાં કંઈ ગડબડ આવે છે તો ખબર પડી જશે.

તમામ આરોપો છતાં રમી રહ્યો છે મોહમ્મદ શમી, તો પૃથ્વી કેમ નહીં?
જો પર્સનલ લાઈફ ટીમમાં પસંદગી માટે જરૂરી કસોટી છે તો તમામ માટે હોવી જોઈએ. મોહમ્મદ શમી પર તેની પત્ની હસીન જહાંએ ઘણા મોટા આરોપ લગાવ્યા હતા, પરંતુ શમી કોર્ટ કેસ ચાલી રહ્યો હોવા છતાં ટીમમાં રમી રહ્યો છે. કોઈ ક્રિકેટરની પર્સનલ લાઈફમાં શું થઈ રહ્યું છે તેને રમત સાથે શું લેવા-દેવા છે. જો આવું જ હોત તો શેન વોર્ન ક્યારેય ઓસ્ટ્રેલિયન ટીમમાં આવી શક્યો ન હોત.

પૃથ્વી શોની પર્સનલ લાઈફનો ઠેકેદાર કોણ?
આઈપીએલ એવી ટુર્નામેન્ટ છે જે કોઈ પણ રીતે આઈસીસી ઈવેન્ટથી ઓછી નથી. તેમાં રમવા અંગે પણ પૃથ્વી શો સામે કોઈ રોક-ટોક નથી. ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પોતે દિલ્હી કેપિટલ્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ છે. પૃથ્વી શોનો સૌથી સારો રિપોર્ટ ગાંગુલી સિવાય બીજા કોની પાસે મળશે. તે આ પહેલા પણ દિલ્હી સાથે જોડાયેલો હતો અને બધું જાણતા છતાં તેમનું મૌન અકળાવનારું છે. સવાલ તો એ પણ છે કે પૃથ્વી શોની પર્સનલ લાઈફનો ઠેકેદાર કોણ છે, જે સિલેક્શન થવા દેતો નથી?

પૃથ્વી શો અત્યારે ટીમમાં નહીં આવે તો ભારતીય ક્રિકેટનું દુર્ભાગ્ય હશે!
છેલ્લે એક વાત, આને સમય કે નસીબ જ કહીશું કે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ 2018માં પૃથ્વી શોને સચિન, સહેવાગ અને લારા ત્રણેયનું એક રૂપ ગણાવ્યું હતું. પૃથ્વીએ ડેબ્યુ મેચમાં સદી ફટકારવાની સાથે જ બે મેચમાં 237 રન ફટકારી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, તે ક્રિકેટ માટે જ જન્મ્યો છે. 8 વર્ષથી જ મુંબઈના મેદાનોમાં તોફાન મચાવી રહ્યો છે. તેની બેટિંગમાં થોડો સચિન, થોડો સેહવાગ છે અને ચાલે છે તો તેમાં થોડો લારા પણ દેખાય છે. જોકે, સમયે એવી પલટી મારી કે આ યુવાન અને ટેલેન્ટેડ ખેલાડી આજે ટીમ ઈન્ડિયાની બહાર છે. તમામ રેકોર્ડ્સ અને રનનો ઢગલો ખડક્યો હોવા છતાં પસંગીકારો તેની અવગણના કરી રહ્યા છે. જો હવે પૃથ્વી શોની પસંદગી નથી થતી તો આ ભારતીય ક્રિકેટનું દુર્ભાગ્ય હશે અને ટેક પ્રતિભા વેડફાઈ જશે.

Exit mobile version