અર્શદીપ અને તિલક સામસામે આવી ગયા
આ મેચમાં તિલક વર્મા 17મી ઓવરના બીજા બોલ પર ક્રિઝ પર આવ્યો હતો. સામે બોલર અર્શદીપ સિંહ હતો. મુંબઈને જીતવા માટે 37 રનની જરૂર હતી. અર્શદીપે બે ડોટ બોલ ફેંક્યા. પરંતુ પછીના બોલ પર તિલકે સિક્સર ફટકારી દીધી હતી. ત્યારબાદ અર્શદીપે યોર્કર મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તિલક તૈયાર હતો. તેણે શોર્ટ ફાઈન લેગ પર બોલને સ્કૂપ કરી ચોગ્ગો મારી દીધો હતો. ઉલ્લેખનીય છે કે તેણે ઓવરના છેલ્લા બોલ પર વધુ એક સિક્સ ફટકારી અને મેચને સંપૂર્ણપણે મુંબઈની તરફેણમાં ફેરવી દીધી હતી.
102 મીટર લાંબી સિક્સ
અર્શદીપ સિંહ ફરી એકવાર 19મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. તિલક વર્મા ઓવરના ત્રીજા બોલ પર સ્ટ્રાઈક પર આવ્યો હતો. તેણે ડોટ બોલ રમ્યો હતો. મુંબઈને જીતવા માટે 5 રનની જરૂર હતી. તિલક વર્માએ આગળની બાજુએ 102 મીટર લાંબી સિક્સ ફટકારીને મુંબઈને રેકોર્ડબ્રેક જીત અપાવી હતી. પંજાબે પ્રથમ મેચમાં 214 રન બનાવ્યા હતા. જોકે મુંબઈએ 19મી ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
IPL કારકિર્દીનો સૌથી મોંઘો સ્પેલ
અર્શદીપ સિંહે 3.5 ઓવરમાં 66 રન આપ્યા હતા. આઈપીએલમાં આ તેનો સૌથી મોંઘો સ્પેલ છે. આ સાથે પંજાબ કિંગ્સના કોઈપણ બોલરનો આ સૌથી મોંઘો સ્પેલ પણ છે. આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા સ્પેલનો રેકોર્ડ બેસિલ થમ્પીના નામે છે. તેણે 70 રન આપ્યા હતા. આ સિઝનનો સૌથી મોંઘો સ્પેલ યશ દયાળે કર્યો છે. ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 69 રન આપ્યા હતા.