ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે 355 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. પાકિસ્તાની ટીમે પણ વળતો પ્રહાર કર્યો હતો. પાકિસ્તાન માટે સાઉદ શકીલે સૌથી વધુ 94 રન ફટકાર્યા હતા. સાઉદ શકીલ રમી રહ્યો હતો ત્યારે લાગી રહ્યું હતું કે પાકિસ્તાની ટીમ ટેસ્ટ જીતી જશે. જોકે, એક વિવાદાસ્પદ નિર્ણય અંતર્ગત તેને કેચ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. માર્ક વૂડના બોલ પર વિકેટકીપર ઓલી પોપ દ્વારા તે કેચ આઉટ થયો હતો. પરંતુ ટીવી રિપ્લેજમાં જોતા બોલ મેદાન પર અડી ગયો હોય તેવું લાગી રહ્યું હતું. તેમ છતાં થર્ડ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. આ સાથે જ પાકિસ્તાનની મેચ જીતવાની આશા પણ તૂટી ગઈ હતી.
શકીલે 213 બોલમાં 94 રન નોંધાવ્યા હતા જેમાં આઠ ચોગ્ગા સામેલ હતા. આ ઉપરાંત ઈમામ ઉલ હકે 50 રનની ઈનિંગ્સ રમી હતી. મોહમ્મદ નવાઝે 45 રનનું યોગદાન આપ્યું હતું. નવાઝ અને શકીલ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 80 રનની ભાગીદારી નોંધાઈ હતી. જોકે, માર્ક વુડે મહત્વના સમયે શકીલને આઉટ કરીને મેચની બાજી પલટી દીધી હતી. ઈંગ્લેન્ડ માટે માર્ક વુડે ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસને બે વિકેટ પોતાના નામે કરી હતી.
બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડની ટીમ 281 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં પાકિસ્તાનના યુવાન બોલર અબરાર અહેમદે તરખાટ મચાવી દીધો હતો. તેણે 22 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. જ્યારે ઝાહિદ મસૂદે ત્રણ વિકેટ ખેરવી હતી. ઈંગ્લેન્ડ માટે ડકેટે 63 ને ઓલી પોપે 60 રન ફટકાર્યા હતા. બીજી તરફ પ્રથમ દાવમાં પાકિસ્તાની ટીમનું પ્રદર્શન કંગાળ રહ્યું હતું. પાકિસ્તાનનો પ્રથમ દાવ 202 રનમાં સમેટાઈ ગયો હતો. પાકિસ્તાન માટે કેપ્ટન બાબર આઝમે 70 અને સાઉદ શકીલે 63 રનની ઈનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડ માટે જેક લીચે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે હેરી બ્રૂકના 108 રનની મદદથી 275 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઓપનર ડકેટે પણ 79 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે બીજા દાવમાં પાકિસ્તાન 328 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું.