આ ટેસ્ટ મેચનો અંત પણ ઐતિહાસિક બની ગયો છે. આ ટેસ્ટ મેચમાં બંને ટીમોએ પાંચ દિવસમાં કુલ મળીને 1768 રન નોંધાવ્યા હતા. આ સાથે જ આ ટેસ્ટ રેકોર્ડ બૂકમાં સ્થાન પામી છે. આ મેચમાં પ્રથમ એવી હાઈસ્કોરિંગ ટેસ્ટ બની છે જેનું પરિણામ આવ્યું છે. ટેસ્ટ ક્રિકેટની સૌથી હાઈસ્કોરિંગ મેચ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચેની રહી હતી. 1939માં રમાયેલી તે મેચમાં 1981 રન નોંધાયા હતા. જ્યારે 1930માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં 1815 રન નોંધાયા હતા. આ બંને ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.
રાવલપિંડી ટેસ્ટમાં કુલ 1768 રન નોંધાયા અને ઈંગ્લેન્ડે અંતિમ દિવસના અંતિમ સત્ર સુધી રોમાંચક બનેલી મેચમાં પાકિસ્તાન સામે 74 રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 657 રનનો સ્કોર ખડક્યો હતો. જ્યારે સાત વિકેટે 264 રનના સ્કોરે પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો. પાકિસ્તાન સામે 343 રનનો લક્ષ્યાંક હતો પરંતુ જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સનની ઘાતક બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે વિજય નોંધાવ્યો હતો. પાકિસ્તાની ધરતી પર ઈંગ્લેન્ડનો આ ફક્ત ત્રીજો ટેસ્ટ વિજય છે.
આ પિચ પર આ વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. તે મેચમાં ફક્ત 14 વિકેટે 1187 રન નોંધાયા હતા. જોકે, આ મુકાબલો ડ્રો રહ્યો હતો. રાવલપિંડીની પિચને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના મેચ રેફરી રંજન મદુગલે દ્વારા ‘બિલો એવરેજ’ જાહેર કરવામાં આવી છે અને તેને ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. જો, પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોઈ પિચને પાંચ ડિમેરિટ પોઈન્ટ મળે તો તેના પર 12 મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવે છે.