Today News

pakistan cricket team, T20 WC: ડ્રેસિંગ રૂમની તસ્વીરો બહાર આવતા પાકિસ્તાનમાં બબાલ, વિડીયો બનાવનારા પર સવાલ – t20 world cup 2022 babar azams dressing room video angers pakistan legends

pakistan cricket team, T20 WC: ડ્રેસિંગ રૂમની તસ્વીરો બહાર આવતા પાકિસ્તાનમાં બબાલ, વિડીયો બનાવનારા પર સવાલ - t20 world cup 2022 babar azams dressing room video angers pakistan legends


ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમને નસીબનો સાથ મળ્યો છે. ભારત અને ઝિમ્બાબ્વે સામે પરાજય બાદ ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ જવાના આરે આવી ગઈ હતી. જોકે, ત્યારપછીની મેચોમાં ટીમે સારો દેખાવ કર્યો હતો અને અન્ય ટીમોના સમીકરણોના કારણે ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. જોકે, હાલમાં પાકિસ્તાની ટીમ એક અલગ કારણને લઈને રચ્ચામાં છે. પાકિસ્તાનના દિગ્ગજ ઝડપી બોલર વસીમ અકરમ અને વકાર યૂનુસે ડ્રેસિંગ રૂમની વાતો સોશિયલ મીડિયા પર જાહેર કરવા માટે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડની આકરી ઝાટકણી કાઢી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે પરાજય બાદ ડ્રેસિંગ રૂમમાં સુકાની બાબર આઝમના ભાષણનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. ત્યારબાદ રવિવારે જ્યારે ટીમે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું ત્યારે બાબર આઝમ અને ટીમના મેન્ટર મેથ્યુ હેડનનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.

વસીમ અકરમ અને વકાર યુનિસે કહ્યું હતું કે ડ્રેસિંગ રૂમમાં જે કંઈ થાય છે તેને ગુપ્ત રાખવું જોઈએ. અકરમે એક ચેનલને કહ્યું હતું કે, જો હું બાબર આઝમની જગ્યાએ હોત તો વિડીયો બનાવનારા શખ્સને ત્યારે જ રોકી દીધો હોત કેમ કે ડ્રેસિંગ રૂમમાં ઘણી વ્યક્તિગત વાતો પણ થતી હોય છે અને જો તેને જાહેર કરી દેવામાં આવે છે તો તેનાથી શરમજનક પરિસ્થિતિ પણ ઊભી થાય છે.

તેણે કહ્યું હતું કે મને નથી લાગતું કે અન્ય કોઈ ટીમે વર્લ્ડ કપમાં કે તેના પહેલા આવું કર્યું હશે. હું પ્રશંસકોની સંખ્યા વધારવાની ઈચ્છા અને પ્રયાસને સમજી શકું છું પરંતુ આ વધારે પડતું છે. વકારે પણ અકરમની વાતો અંગે સહમતી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પહેલા પણ ડ્રેસિંગ રૂમની વાતો જાહેર થવાથી પાકિસ્તાની ક્રિકેટને નુકસાન થયું છે. તેણે કહ્યું હતું કે અકરમે જે કહ્યું તેનાથી હું સો ટકા સહમત છું. ડ્રેસિંગ રૂમમાં જે કંઈ પણ થાય છે તેને ત્યાં સુધી જ મર્યાદિત રાખવું જોઈએ. આ હાલની સમસ્યા નથી પરંતુ આ પહેલા પણ ડ્રેસિંગ રૂમની વાતો મીડિયામાં લીક થઈ ગઈ હતી.

નોંધનીય છે કે વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં પ્રથમ મેચમાં પાકિસ્તાનનો ભારત સામે પરાજય થયો હતો અને ત્યારબાદ ઝિમ્બાબ્વે સામે પણ ટીમ હારી ગઈ હતી. પરંતુ ત્યારબાદ રવિવારે પોતાની અંતિમ ગ્રુપ મેચમાં સાઉથ આફ્રિકાનો પરાજય થયો હતો અને આ દરમિયાન ટુર્નામેન્ટમાં બાકીની મેચોમાં પાકિસ્તાનનું પ્રદર્શન સારું રહ્યું હતું. જેના કારણે બાબર આઝમની ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે 9 નવેમ્બર બુધવારે તેનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થશે.

Exit mobile version