હકિકતમાં આ ભૂલ અમ્પાયરના કારણે થઈ હતી. અમ્પાયરની ખોટી ગણતરીને કારણે બોલરે 10ની જગ્યાએ 11 ઓવર કરી હતી. શ્રીલંકા સામેની આ મેચમાં એડન કાર્સને 45મી ઓવરમાં પોતાનો 10 ઓવરનો ક્વોટા પૂરો કર્યો હતો. આ દરમિયાન તેણે 40 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આમ છતાં તેણે એક છેડેથી બોલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. કાર્સને તેની 11મી ઓવરમાં 5 ડોટ બોલ ફેંક્યા અને માત્ર એક રન આપ્યો. આ રીતે તેણે 11 ઓવર ફેંકી હતી અને સૌથી ખાસ વાત એ હતી કે અમ્પાયર્સ, મેચ રેફરી કે ખેલાડીઓને પણ આનો ખ્યાલ આવ્યો ન હતો.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
શ્રીલંકા સામેની આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એમેલિયા કેર અને સોફી ડિવાઈનની સદીઓની મદદથી ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 329 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. અમેલિયાએ 108 રન ફટકાર્યા હતા જ્યારે સોફીએ 137 રનની ઈનિંગ્સ રમી હતી. 330 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ શરૂઆતથી જ મુશ્કેલીમાં જોવા મળી હતી.
જોકે કવિશા દિલહારીએ 84 રનની મજબૂત ઈનિંગ્સ રમી હતી પરંતુ તે ટીમની જીત માટે પૂરતી ન હતી. તેના સિવાય અન્ય કોઈ બેટર વધારે સમય ક્રિઝ પર ટકી શકી નહતી. આ દરમિયાન ન્યૂઝીલેન્ડની ઈડન કાર્સને પોતાના સ્પેલમાં એક વધારાની ઓવર પણ કરી પરંતુ તેમ છતાં ટીમ જીત મેળવી શકી નહીં. આ મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 116 રનથી હરાવ્યું હતું. 330 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 48.4 ઓવરમાં 213 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.