નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શું છે ખાસ?
દર્શકોની સંખ્યાના આધાર પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે, જેમાં 1,32,000 દર્શકો બેસી શકે છે, જે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)થી 32 હજાર વધુ છે. મોટેરા સ્ટેડિયમને જ રિનોવેટ કરી તેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. અહીં 11 અલગ-અલગ ક્રિકેટ પિચ છે, જેને ત્રણ પ્રકારની માટી (કાળી, લાલ અને બંનેનું મિશ્રણ)નો ઉપયોગ કરી તૈયાર કરાઈ છે. સાથે જ વર્લ્ડ ક્લાસ ડ્રેસિંગ રૂમ, જિમ, રેસ્ટોરાં તેને દેશના બીજા મેદાનો કરતા અલગ બનાવે છે.
આ સ્ટેડિયમમાં નહોંતું રમવા માગતું પાકિસ્તાન
શેડ્યૂલ જાહેર થયા પહેલા પાકિસ્તાને ઘણા નખરા બતાવ્યા હતા. તેના અધિકારી કહેતા હતા કે, ‘અમે નરેન્દ્ર મોદી સ્ટ્રેડિયમમાં રમીશું કે નહીં તેનો નિર્ણય ત્યારે થશે, જ્યારે ભારત જવાનું નક્કી થશે. અમારે અમારી ટીમની સિક્યોરિટી જોવી પડશે કે અમદાવાદમાં સુરક્ષિત છે કે નહીં.’ પરંતુ અસલી કારણ હતું અમદાવાદના સ્ટેડિયમનું નામ ‘નરેન્દ્ર મોદી’ હોવું. વાંધાનું એક કારણ એ પણ હતું કે, પાકિસ્તાનને લાગે છે કે ટીમ ઈન્ડિયા ભાજપ સરકારના કારણે પાકિસ્તાન નથી આવી રહી. પાકિસ્તાને ભારત સામેની મેચ ચેન્નઈ, બેંગલુરુ કે કોલકાતામાં રમાડવાની માગ કરી હતી, જેને બીસીસીઆઈ અને આઈસીસીએ ફગાવી દીધી હતી.
મુંબઈ-કોલકાતામાં રમાઈ હતી અગાઉની ફાઈનલ મેચો
1983 પછી ભારતે પોતાનો બીજો વર્લ્ડ કપ 28 વર્ષ પછી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ જીત્યો હતો, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીએ છગ્ગો ફટકારી જીત અપાવી હતી. મુંબઈને આમ પણ ભારતીય ક્રિકેટની નર્સરી મનાય છે, એવામાં ઘણા ફેન્સ ઈચ્છતા હતા કે આ વખતે પણ ફાઈનલ વાનખેડેમાં જ રમાય. તો, ઈડન ગાર્ડન્સ પર 1987ના વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. વર્લ્ડ કપ 2023ની પહેલી સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અને બીજી તે પછીના દિવસે કોલકાતામાં ઈડન ગાર્ડન્સ પર રમાશે. બંને સેમીફાઈનલમાં એક રિઝર્વ દિવસ હશે. ફાઈનલ મેચ અમદાવાદમાં 19 નવેમ્બરે રમાશે. જ્યારે 20 નવેમ્બર રિઝર્વ દિવસ રહેશે. બધી ત્રણ નોકઆઉટ મેચ ડે-નાઈટની હશે.