ક્રિકેટનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના નિયમ પ્રમાણે વર્લ્ડ કપ માટે પ્રત્યેક ટીમે 5 સપ્ટેમ્બર સુધીમાં પોતાની 15 સભ્યોની પ્રાથમિક ટીમ સબમિટ કરાવવાની રહેશે. જ્યારે ફાઈનલ ટીમની યાદી 27 સપ્ટેમ્બર સુધી સબમિટ કરાવવાની રહેશે. પ્રત્યેક દેશ પ્રાથમિક અને અંતિમ ટીમના સબમિશનના સમયગાળા દરમિયાન ટીમમાં ગમે તેટલા ફેરફાર કરી શકે છે.
રસપ્રદ વાત એ છે કે ભારતની ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ સબમિશનના અંતિમ દિવસે એટલે કે 27 સપ્ટેમ્બરે પૂરી થાય છે. તેથી ભારત એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાનારી સીરિઝમાં 16થી 18 સભ્યોની ટીમ પસંદ કરે તો આશ્ચર્ય નહીં થાય. આ બંને સીરિઝ બાદ પસંદગી સમિતિ અંતિમ ટીમની પસંદગી કરી શકે છે. તેથી ઉનડકટ અને ઠાકુરને શ્રીલંકામાં રમાનારા એશિયા કપ અને ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝમાં બરાબરની તક મળી શકે છે.
બીજી તરફ સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ લોઅર બેકની ઈજામાંથી મુક્ત થઈ ગયો છે. તેની 80 ટકા ફિટનેસમાં પણ તે વર્લ્ડ કપમાં રમશે. જ્યારે મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પણ વર્લ્ડ કપનો ભાગ હશે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા પણ ચોથા ઝડપી બોલર તરીકેની ભૂમિકા ભજવી શકે છે. જો તે પૂરી 10 ઓવર નથી કરતો તો પણ તે પ્રત્યેક મેચમાં છથી આઠ ઓવર કરી શકે છે. તેથી રિઝર્વ પેસરનો સ્ટોલ મહત્વનો રહેશે.
હવે પ્રદર્શન અને ક્વોલિટીની વાત કરવામાં આવે તો શાર્દુલ ઠાકુરે પોતાનો દાવો મજબૂત કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી સીરિઝમાં ઠાકુરે ત્રણ મેચમાં આઠ વિકેટ ઝડપી હતી. પરંતુ લેફ્ટ-આર્મ સીમર હોવાના કારણે ઉનડકટનું પલડું પણ ભારે છે. ઉનડકટની બોલિંગમાં વધારે ઝડપ નથી પરંતુ તેની પાસે વિવિધતા છે. આ ઉપરાંત બંગાળનો ઝડપી બોલર મુકેશ કુમાર પણ એક વિકલ્પ છે. જ્યારે ત્રીજા સ્પિનર તરીકે યુઝવેન્દ્ર ચહલ કરતાં અક્ષર પટેલનું પલડું ઘણું ભારે છે. આ ઉપરાંત અક્ષર પટેલ લોઅર ઓર્ડરમાં બેટિંગમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.
બીજી તરફ બેટિંગમાં ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે લોકેશ રાહુલ ઝડપી સાજો થઈ જાય. આ ઉપરાંત શ્રેયસ ઐય્યર પણ ઈજામુક્ત થાય તેવી ઈચ્છા રાખવામાં આવી રહી છે. બીસીસીઆઈના સૂત્રોએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ રાહુલ અને શ્રેયસ ઐય્યરને સાજા થવા માટે પૂરતી તક આપવા ઈચ્છે છે. રાહુલ સંપૂર્ણ મેચ ફિટનેસ મેળવવાની નજીક છે.