અમ્પાયર ફર્ગસ મર્ફીએ તરત જ યોકોવિચને તેના રેકેટ-સ્મેશિંગ ઉલ્લંઘનને માટે ચેતવણી આપી હતી. પરિણામે સાત વખતના વિમ્બલ્ડન ચેમ્પિયનને 6,117 પાઉન્ડ (આશરે 1,27,000 લાખ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેના 1.175 મિલિયન પાઉન્ડના રનર-અપના ચેકમાંથી તે નાણાં કાપવામાં આવશે. વિશ્વના નંબર વન અલ્કારાઝે બ્રેકનો પૂરો ઉપયોગ કરીને ચાર કલાક અને 42 મિનિટ બાદ 1-6, 7-6, (8-6), 6-1, 3-6, 6-4થી જીત મેળવી હતી અને પોતાનું પ્રથમ વિમ્બલડન ચેમ્પિયન બન્યો હતો.
ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં 20 વર્ષીય ખેલાડીની જીતે યોકોવિચને 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાથી અટકાવ્યો હતો અને સેન્ટર કોર્ટ પર તેનું અજેય અભિયાન પૂરૂં કર્યું હતું. રવિવારે રમાયેલી ફાઈનલમાં યોકોવિચ પર બે વખત કોડનું ઉલ્લંઘન કરવાનો મામલો નોંધવામાં આવ્યો હતો. પ્રથમ કોડ ઉલ્લંઘન ત્યારે થયું જ્યારે યોકોવિચની સર્વને ફટકારવામાં આવે તે પહેલાં શોટ ક્લોક શૂન્ય પર પહોંચી ગઈ. બીજું ઉલ્લંઘન ત્યારે થયું જ્યારે તેણે પાંચમા સેટમાં બ્રેકથી પાછળ રહ્યા બાદ પોતાના રેકેટને તોડ્યું હતું.
મેચ પછી જ્યારે યોકોવિચને તેના બે કોડના ઉલ્લંઘન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, તેના વિશે વાત કરવા માટે વધારે કંઈ નથી. બીજી ગેમમાં મારા બ્રેક પોઈન્ટ હતા. સર્બિયન ખેલાડીને 2020 યુએસ ઓપનમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો કારણ કે તેણે તેની રાઉન્ડ 16ના મુકાબલા દરમિયાન હતાશામાં એક બોલ માર્યો હતો જે લાઈન જજને ગરદન પર વાગ્યો હતો.