મેરીકોમે પોતાની ઝળહળતી કારકિર્દીમાં કુલ છ વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ જીત્યા છે. મેરીકોમે 2002, 2005, 2006, 2008, 2010 અને 2018માં ટાઈટલ જીત્યા હતા. જ્યારે નિખત ઝરીને 2022 અને 2023 એમ બંને એડિશનમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. ફાઈનલમાં ઝરીનનું પ્રદર્શન લાજવાબ રહ્યું હતું. તેણે તેની હરીફને વધારે તક આપી ન હતી અને લગભગ એક તરફા મુકાબલામાં જીત નોંધાવી હતી.
પોતાના ગોલ્ડ મેડલ અંગે નિખત ઝરીને જણાવ્યું હતું કે, સળંગ બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનીને હું ઘણી જ ખુશ છું. ખાસ કરીને જુદી-જુદી કેટેગરીમાં બે વખત ચેમ્પિયન બની છું. આજનો મુકાબલો ટુર્નામેન્ટમાં મારો સૌથી અઘરો મુકાબલો હતો. આ મુકાબલો અંતિમ હોવાથી હું મારી સમગ્ર ઉર્જાનો ઉપયોગ કરવા ઈચ્છતી હતી અને રિંગમાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છતી હતી. હું આ મેડલ દેશને સમર્પિત કરું છું અને આ મેડલ તે તમામ લોકો માટે છે જેમણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મારો ઉત્સાહ વધાર્યો અને મારું સમર્થન કર્યું છે.
તેલંગાણાની 26 વર્ષીય બોક્સરે આ વખતે લાઈટ ફ્લાયવેઈટમાંથી ફ્લાઈવેઈટમાં રમી હતી. તેમ છતાં તેણે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તે નવી કેટેગરીમાં ઝડપથી અનુકૂળ થઈ ગઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એક પણ વખત તેના પ્રદર્શનમાં કોઈ ખોટ જોવા મળી ન હતી. અગાઉ શનિવારે નીતુ ઘાંઘસે 48 કિલો અને સ્વીટી બૂરાએ 81 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.