હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ
એમએસ ધોની ફીલ્ડ અમ્પાયર અનિલ ચૌધરી અને ક્રિસ ગૉફની સાથે 15મી ઓવર પછી ક્રીઝની પાસે વાતચીત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન રમત રોકાયેલી હતી. કોઈને કંઈ સમજાતું ન હતું કે આખરે આગામી ઓવર શરૂ કરવામાં મોડું કેમ થઈ રહ્યું છે. આ દરમિયાન, ટીવી કોમેન્ટ્રીથી જાણવા મળ્યું કે, શ્રીલંકાના મથીશા પથિરાના 9 મિનિટ માટે મેદાનથી બહાર હતો. નિયમો મુજબ, જો કોઈ પ્લેયર ચાર મિનિટ કરતા વધુ સમય સુધી બહાર રહે છે, તો તે ત્યાં સુધી બોલિંગ નથી કરી શકતો, જ્યાં સુધી એટલો જ સમય ગ્રાઉન્ડ પર પસાર ન કરે, જેટલો તેણે બહાર વીતાવ્યો હોય.
ઈએસપીએન ક્રિકઈન્ફોના રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, ધોનીને મેચ અધિકારીઓ દ્વારા જાણ કરાઈ હતી કે, પથિરાનાને બોલિંગ કરતા પહેલા થોડો વધુ સમય રાહ જોવી પડશે. સીએસકેના કેપ્ટને સ્વીકાર્યું કે, તે સમજી ગયો, પરંતુ સાથે જ કહ્યું કે, તેની પાસે પથિરાના પાસે બોલિંગ કરાવવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. ધોનીને એ પણ યાદ અપાવાયું કે, સીએસકેને ધીમી ઓવર રેટ માટે દંડનો સામનો કરવો પડી શકે છે અને જો છેલ્લી ઓવર નિર્ધારિત સમયમાં શરૂ નહીં થાય તો સર્કલની બહાર માત્ર ચાર પ્લેયર્સને જ મંજૂરી આપવામાં આવી શકે છે.
આ બધી ચર્ચાઓમાં ચાર મિનિટ પસાર થઈ ગયા અને પથિરાનાને આઠ મિનિટના નિયમ મુજબના સમયની સાથે બોલિંગ કરવાની મંજૂરી મળી ગઈ. જોકે, પથિરાનાને એ ઓવરમાં એકપણ વિકેટ મળી ન હતી. તેણે પોતાની તે પછીની ઓવરમાં એક વિકેટ ઝડપી હતી. વિજય શંકર આઉટ થયા પછી મેચનું પલ્લું ચેન્નઈ સુપરકિંગ્સ તરફ ઝૂકી ગયું હતું.