આઈપીએલની વર્તમાન સિઝનમાં આઠ મેચોમાં ચેન્નઈ સુપર કિંગ્સની ત્રીજી હાર હતી. ફ્લેમિંગને પૂછવામાં આવ્યું કે શું ટીમને કેટલાક ‘મોટા હિટર’ને બેટિંગ ઓર્ડરમાં ઉપરના ક્રમે મોકલવાની જરૂર છે, તો તેમણે કહ્યું હતું કે સોંપવામાં આવેલી ભૂમિકા મહત્વની છે. અજિંક્ય રહાણે ત્રીજા નંબર પર અમારા માટે ખૂબ જ સારી ભૂમિકા ભજવી રહ્યો છે. જે સારું ચાલી રહ્યું છે તેની સાથે અમારે છેડછાડ કરવાની જરૂર નથી.
તેમણે મેચ બાદ કહ્યું હતું કે, આજે અમારો સામનો એવી ટીમ સામે થયો જેણે બોલની ગતિને નિયંત્રિત કરી હતી. અમને પ્રથમ છ ઓવરમાં જરૂરી લય મળી ન હતી. ડેવોન કોનવે શાનદાર ફોર્મમાં છે પરંતુ તે પણ લય પ્રાપ્ત કરી શક્યો ન હતો. અમારી ઈનિંગ્સ ધીમી ગતિએ આગળ વધી અને જ્યારે અમે ઝડપી રન બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે અમે કેટલીક ભૂલો કરી હતી.
ફ્લેમિંગે સ્વીકાર્યું હતું કે તે પાવર પ્લેમાં જ મેચ હારી ગયા હતા. તેમણે કહ્યું હતું કે વિરોધી ટીમે પ્રથમ છ ઓવરમાં બેટ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે પ્રથમ છ ઓવરમાં રાજસ્થાન રોયલ્સનું બેટિંગ અને બોલિંગ પ્રદર્શન ઘણું જ લાજવાબ રહ્યું હતું. આ સાથે રાજસ્થાનની ટીમે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. અમે આના કરતાં વધુ સારું કરી શક્યા હોત.
નોંધનીય છે કે ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને હતી. જોકે, રાજસ્થાન સામે પરાજય બાદ ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે આવી ગયું હતું. જ્યારે રાજસ્થાન પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ગુજરાત ટાઈટન્સની ટીમ બીજા ક્રમે છે. આ ત્રણેય ટીમના 10-10 પોઈન્ટ છે પરંતુ તેમની રનરેટમાં તફાવત છે.