ધોની આઈપીએલના સૌથી સફળ સુકાનીઓમાં સામેલ છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સને ચાર વખત ચેમ્પિયન બનાવ્યું છે. ધોનીની આગેવાનીમાં ચેન્નઈએ 2010, 2011, 2018 અને 2021માં આઈપીએલ ટાઈટલ જીત્યા છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પાંચ વખત ચેમ્પિયન રહ્યું છે પરંતુ ચેન્નઈની ટીમનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું છે. ધોનીની આગેવાનીમાં ચેન્નઈની ટીમ 13 સિઝનમાંથી 11 સિઝનમાં અંતિમ ચારમાં પહોંચ્યું છે. પાંચ વખત તો ચેન્નઈની ટીમ રનર અપ રહી છે.
આઈપીએલમાં ધોનીએ 213 મેચમાં ટીમની કેપ્ટનસી કરી છે. જેમાંથી 125 મેચમાં તેનો વિજય થયો છે જ્યારે 87 મેચમાં ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું. તેની જીતની ટકાવારી 58.96 ટકા છે જે તેને આઈપીએલનો સૌથી સફળ સુકાની બનાવે છે. ધોની ટુર્નામેન્ટમાં બે વર્ષ માટે રમેલી રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ ટીમનો કેપ્ટન પણ રહ્યો હતો. તેણે 2016ની સિઝનમાં આ ટીમની આગેવાની કરી હતી જેમાં તે 14માંથી ફક્ત પાંચ જ મેચ જીતી શક્યો હતો જ્યારે નવ મેચમાં તેનો પરાજય થયો હતો. પૂણેની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને રહી હતી.
ધોનીએ અત્યાર સુધીમાં 213 મેચમાંથી 199 મેચમાં ચેન્નઈની કેપ્ટનસી કરી છે. જેમાંથી 120 મેચમાં ટીમનો વિજય થયો છે જ્યારે 78 મેચમાં ટીમનો પરાજય થયો છે અને એક મેચનું પરીણામ આવ્યું ન હતું. ચેન્નઈના કેપ્ટન તરીકે તેની જીતની ટકાવારી 60.30 ટકા છે. આઈપીએલમાં એક બેટર તરીકે પણ ધોની ઘણો સફળ રહ્યો છે. તેણે ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 39ની એવરેજ અને 135ની સ્ટ્રાઈક રેટ સાથે 5004 રન નોંધાવ્યા છે. જેમાં તેણે 24 અડધી સદી ફટકારી છે. આઈપીએલમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 84 રનનો રહ્યો છે.
હાલમાં એવી પણ અટકળો ચાલી રહી છે કે વર્તમાન સિઝન ધોનીની અંતિમ આઈપીએલ હોઈ શકે છે. ધોની હાલમાં 41 વર્ષનો છે અને તે આ સિઝન બાદ આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ શકે છે. ધોની 2008માં આઈપીએલની શરૂઆતથી ચેન્નઈ ટીમ સાથે જોડાયો છે અને પ્રથમ સિઝનથી જ તે ટીમની આગેવાની કરી રહ્યો છે. જો વર્તમાન સિઝન ધોનીની અંતિમ હશે તો ચેન્નઈની ટીમ ટાઈટલ જીતીને પોતાના સફળ સુકાનીને યાદગાર વિદાય આપવા ઈચ્છશે.