મેચ બાદ ધોનીએ જણાવ્યું હતું કે, ડેથ ઓવર્સમાં બોલિંગ કરવી તે યુવાન બોલર્સ માટે આ બાબત ઘણી મુશ્કેલ છે. પરંતુ તેઓ આકરી મહેનત કરી રહ્યા છે. બ્રાવો આ બાબતનો સ્પેશિયાલિસ્ટ છે. તેની દેખરેખમાં બોલર્સ આત્મવિશ્વાસ મેળવશે. આ ટીમ ગેમ છે. કોચ, બોલિંગ કોચ અને સિનિયર ખેલાડીઓ તેમને માર્ગદર્શન આપશે.
ધોની શિવમ દૂબેના ફૂટવર્કથી ઘણો જ પ્રભાવિત થયો છે પરંતુ સાથે તેણે તે પણ કહ્યું છે કે તેણે ઝડપી બોલર્સ સામે તેની બેટિંગમાં કામ કરવાની જરૂર છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમાયેલી મેચમાં શિવમ દૂબેએ 27 બોલમાં તાબડતોબ 52 રનની ઈનિંગ્સ રમી હતી. જેની મદદથી ચેન્નઈએ છ વિકેટે 226 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો.
ધોનીએ દૂબેની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, દૂબે ક્લિન હિટર છે. તેની લાંબો છે અને સરળતાથી શોટ ફટકારી શકે છે. જોકે, ઝડપી બોલિંગ સામે રમવામાં તેને થોડી મુશ્કેલી નડે છે પરંતુ સ્પિનર્સ સામે તે ક્લિન હિટર છે. અમારી પાસે તેના માટે પ્લાન છે. અમારું માનવું છે કે તે અમારા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે. તેણે આ બાબતમાં અમારા કરતાં વધારે વિશ્વાસ રાખવાની જરૂર છે.
227 રનના લક્ષ્યાંક સામે એક સમયે રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિજયની સ્થિતિમાં આવી ગયું હતું. કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 33 બોલમાં 62 રન ફટકાર્યા હતા જ્યારે ગ્લેન મેક્સવેલે 36 બોલમાં 76 રનની ધમાકેદાર ઈનિંગ્સ રમી હતી. ધોનીએ જણાવ્યું હતું કે, જ્યારે તમે 220 રનનો સ્કોર નોંધાવો છો ત્યારે બેટ્સમેને સતત આક્રમક રમવું પડે છે. ડુપ્લેસિસ અને મેક્સવેલે તેવું જ કર્યું હતું. તેમણે 18મી ઓવરમાં જીતી જવું જોઈતું હતું. હું વિકેટ પાછળ સતત પરિસ્થિતિનું નિરિક્ષણ કરતો રહેતો હોવ છું. હું હંમેશા પરીણામ કરતાં શું થઈ શકે છે તે અંગે વિચારતો હોવ છું.
બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે જણાવ્યું હતું કે, મારું માનવું છે કે અમે યોગ્ય રમ્યા હતા અને છેલ્લી પાંચ ઓવર મેચ પૂરી કરવા માટે યોગ્ય સેટ અપ હતો. દિનેશ કાર્તિક ફિનિશર છે અને તેના માટે એકદમ આસાન બાબત હતી. પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સની બોલિંગ કેવી તે દેખાડે છે. 200 રન પૂરતા હતા પરંતુ અમે તેમને થોડા વધારે રન કરવા દીધા હતા, તેમ ડુપ્લેસિસે જણાવ્યું હતું.