T20 World Cup 2022, England vs Pakistan Final: ઈંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપીને ટ્રોફી જીતી લીધી. સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને પરાજય આપ્યો હતો ત્યારે ભૂતપૂર્વ પાકિસ્તાની ઝડપી બોલર શોએબ અખ્તરે ભારતીય ટીમની આકરી ટીકાઓ કરી હતી. ફાઈનલ બાદ હવે મોહમ્મદ શમીએ અખ્તરને જડબાતોડ જવાબ આપ્યો
હાઈલાઈટ્સ:
- ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતાં પાકિસ્તાનને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો
- સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ભારતના પરાજય બાદ શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાની ટીકાઓ કરી હતી
- ફાઈનલમાં પાકિસ્તાનના પરાજય બાદ મોહમ્મદ શમીએ અખ્તરને જડબાતોડ જવાબ આપ્યો
ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ બાદમાં તે અદ્દભુત ફોર્મમાં જોવા મળી હતી. ભારત અને ઝિમ્બાબ્વે સામે પરાજય બાદ ટીમ ટુર્નામેન્ટની બહાર થવાના આરે આવી ગઈ હતી પરંતુ બાદમાં ટીમે પુનરાગમન કર્યું હતું. ટીમે પહેલા સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ સામે પણ આસાન વિજય નોંધાવ્યો હતો. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ફોર્મ મેળવી લીધું હતું અને ઝડપી બોલર શાહીન આફ્રિદી પણ સારી લયમાં જોવા મળ્યો હતો. તેથી પાકિસ્તાન ચેમ્પિયન બનશે તેવું માનવામાં આવી રહ્યું હતું.
મોહમ્મદ શમીએ શોએબ અખ્તરને આપ્યો જવાબ
ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પરાજય બાદ શોએબ અખ્તરે તૂટેલા દિલના ઈમોજીનું ટ્વિટ કર્યું હતું. ત્યારે તેની ટ્વિટનો જવાબ આપતા મોહમ્મદ શમીએ લખ્યું હતું, સોરી ભાઈ… આને કર્મ કહેવાય. ત્યારબાદ શમીએ ત્રણ તૂટેલા દિલના ઈમોજી પોસ્ટ કર્યા હતા. સામાન્ય રીતે વર્તમાન ભારતીય ક્રિકેટર્સ હાલમાં કોઈ વિવાદોમાં પડતા નથી અને શમી ક્રિકેટ બાદ ભાગ્યે જ કોઈ રીતે ચર્ચામાં રહેતો હોય છે. પરંતુ અખ્તરને તેણે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે.
બેન સ્ટોક્સ અને બોલર્સ પાકિસ્તાનને ભારે પડ્યા
ફાઈનલમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લિશ બોલર્સે સારું પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાની ટીમને 20 ઓવરમાં 8 વિકેટે 137 રનનો સ્કોર જ કરવા દીધો હતો. પાકિસ્તાન માટે શાન મસૂદે સૌથી વધુ 38 રન નોંધાવ્યા હતા જ્યારે સુકાની બાબર આઝમે 32 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ માટે સેમ કરને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડને બે-બે વિકેટ ઝડપી હતી. બેન સ્ટોક્સને એક સફળતા મળી હતી. 138 રનના લક્ષ્યાંકનો બચાવ કરતા પાકિસ્તાની બોલર્સે પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને ઈંગ્લેન્ડને એક સમયે દબાણમાં લાવી દીધું હતું. જોકે, બેન સ્ટોક્સે અણનમ અડધી સદી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. સ્ટોક્સે અણનમ 52 રનની ઈનિંગ્સ રમી હતી.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ