ઋતુરાજ અને કોનવેની આક્રમક બેટિંગથી લક્ષ્યાંક બન્યો આસાન
ચેન્નઈ સામે 140 રનનો લક્ષ્યાંક હતો જેને ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડીએ વધારે આસાન બનાવી દીધો હતો. આ જોડીએ 4.1 ઓવરમાં 46 રન ફટકારી દીધા હતા. ઋતુરાજ ગાયકવાડે 16 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 30 રન ફટકાર્યા હતા. જ્યારે કોનવેએ 42 બોલમાં 44 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. આ જોડીએ આક્રમક શરૂઆત અપાવી હતી જેનો ફાયદો ત્યારપછીના બેટરે ઉઠાવ્યો હતો.
અજિંક્ય રહાણે અને શિવમ દૂબેએ પણ મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સની ધોલાઈ કરી હતી. રહાણેએ 17 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 21 રનની ઈનિંગ્સ રમીહ તી. જ્યારે અંબાતી રાયડૂએ 12 અને શિવમ દૂબેએ ત્રણ સિક્સર સાથે 18 બોલમાં 26 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બે રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. મુંબઈ માટે પિયુષ ચાવલાએ બે તથા સ્ટબ્સ અને આકાશ મધવાલને એક-એક સફળતા મળી હતી.
નેહલ વાઢેરાની અડધી સદી, મુંબઈના બાકીના બેટર્સ ફ્લોપ રહ્યા
મુંબઈ ઈન્ડિયન્સના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા ત્રીજા ક્રમે બેટિંગમાં આવ્યો હતો. જ્યારે કેમેરોન ગ્રીન અને ઈશાન કિશને ઓપનિંગ કર્યું હતું. પરંતુ ગ્રીન છ અને કિશન સાથે રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા કેપ્ટન રોહિત શર્માને ત્રીજા ક્રમે બેટિંગમાં આવીને પણ કોઈ ફાયદો થયો ન હતો. તે ત્રણ બોલ રમ્યો હતો પરંતુ ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો હતો. 14 રનના સ્કોર પર ટીમે તેની ટોચની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.
જોકે, નેહલ વાઢેરા, સૂર્યકુમાર યાદવ અને સ્ટબ્સની ઉપયોગી ઈનિંગ્સની મદદથી મુંબઈ ઈન્ડિયન્સ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. નેહલ વાઢેરે આઈપીએલમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે 51 બોલમાં આઠ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 64 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે સૂર્યકુમારે 22 બોલમાં 26 અને સ્ટબલ્સે 21 બોલમાં 20 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે મથીશા પથિરાનાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે દીપક ચહર અને તુષાર દેશપાંડેએ બે-બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.