mi vs csk, IPL: ચેન્નઈ સુપર કિંગ્સનું શાનદાર પ્રદર્શન, મુંબઈ ઈન્ડિયન્સ સામે નોંધાવ્યો આસાન વિજય - ipl 2023 chennai super kings beat mumbai indians and reach 2nd place in point table

mi vs csk, IPL: ચેન્નઈ સુપર કિંગ્સનું શાનદાર પ્રદર્શન, મુંબઈ ઈન્ડિયન્સ સામે નોંધાવ્યો આસાન વિજય – ipl 2023 chennai super kings beat mumbai indians and reach 2nd place in point table


ચેન્નઈ સુપર કિંગ્સે બેટિંગ અને બોલિંગ બંનેમાં લાજવાબ પ્રદર્શન કરતાં મુંબઈ ઈન્ડિયન્સ સામે છ વિકેટે વિજય નોંધાવ્યો છે. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં શનિવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટુર્નામેન્ટની બે લોકપ્રિય ટીમો આમને સામને થઈ હતી. જેમાં ધોનીસેનાએ શાનદાર પ્રદર્શન કરીને ઘરઆંગણના પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ નેહલ વાઢેરાએ ફટકારેલી અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 139 રનનો સ્કોર નોંધાવી શકી હતી. જેના જવાબમાં ચેન્નઈએ 17.4 ઓવરમાં ચાર વિકેટે 140 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. આ વિજય સાથે જ ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. જ્યારે મુંબઈ છઠ્ઠા ક્રમે છે.

ઋતુરાજ અને કોનવેની આક્રમક બેટિંગથી લક્ષ્યાંક બન્યો આસાન
ચેન્નઈ સામે 140 રનનો લક્ષ્યાંક હતો જેને ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની ઓપનિંગ જોડીએ વધારે આસાન બનાવી દીધો હતો. આ જોડીએ 4.1 ઓવરમાં 46 રન ફટકારી દીધા હતા. ઋતુરાજ ગાયકવાડે 16 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 30 રન ફટકાર્યા હતા. જ્યારે કોનવેએ 42 બોલમાં 44 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. આ જોડીએ આક્રમક શરૂઆત અપાવી હતી જેનો ફાયદો ત્યારપછીના બેટરે ઉઠાવ્યો હતો.

અજિંક્ય રહાણે અને શિવમ દૂબેએ પણ મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સની ધોલાઈ કરી હતી. રહાણેએ 17 બોલમાં એક ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 21 રનની ઈનિંગ્સ રમીહ તી. જ્યારે અંબાતી રાયડૂએ 12 અને શિવમ દૂબેએ ત્રણ સિક્સર સાથે 18 બોલમાં 26 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બે રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. મુંબઈ માટે પિયુષ ચાવલાએ બે તથા સ્ટબ્સ અને આકાશ મધવાલને એક-એક સફળતા મળી હતી.

નેહલ વાઢેરાની અડધી સદી, મુંબઈના બાકીના બેટર્સ ફ્લોપ રહ્યા
મુંબઈ ઈન્ડિયન્સના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા ત્રીજા ક્રમે બેટિંગમાં આવ્યો હતો. જ્યારે કેમેરોન ગ્રીન અને ઈશાન કિશને ઓપનિંગ કર્યું હતું. પરંતુ ગ્રીન છ અને કિશન સાથે રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા કેપ્ટન રોહિત શર્માને ત્રીજા ક્રમે બેટિંગમાં આવીને પણ કોઈ ફાયદો થયો ન હતો. તે ત્રણ બોલ રમ્યો હતો પરંતુ ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યો હતો. 14 રનના સ્કોર પર ટીમે તેની ટોચની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

જોકે, નેહલ વાઢેરા, સૂર્યકુમાર યાદવ અને સ્ટબ્સની ઉપયોગી ઈનિંગ્સની મદદથી મુંબઈ ઈન્ડિયન્સ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું. નેહલ વાઢેરે આઈપીએલમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે 51 બોલમાં આઠ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 64 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે સૂર્યકુમારે 22 બોલમાં 26 અને સ્ટબલ્સે 21 બોલમાં 20 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે મથીશા પથિરાનાએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે દીપક ચહર અને તુષાર દેશપાંડેએ બે-બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *