માયર્સ અને સ્ટોઈનીસની અડધી સદી, પૂરન અને બદોનીની તોફાની બેટિંગ
લખનૌ માટે ચાર બેટ્સમેનોએ ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરી હતી. સૌથી પહેલા તો ઓપનર કાયલે માયર્સે તોફાન મચાવ્યું હતું. તેણે 20 બોલમાં જ અડધી સદી ફટકારી દીધી હતી. માયર્સે 24 બોલમાં સાત ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી 54 રન ફટકાર્યા હતા. જ્યારે માર્ક્સ સ્ટોઈનિસે પણ 30 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે ટીમ માટે સર્વોચ્ચ સ્કોર નોંધાવતા 40 બોલમાં 72 રન ફટકાર્યા હતા. જેમાં છ ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી.
જ્યારે આયુષ બદોનીએ પણ 24 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 43 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવર્સમાં વિકેટકીપર બેટર નિકોલસ પૂરને પણ ઝંઝાવાતી અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે 19 બોલમાં 45 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી. જેમાં સાત ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. જ્યારે દીપક હૂડાએ છ બોલમાં અણનમ 11 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેપ્ટન લોકેશ રાહુલ 12 રન નોંધાવીને આઉટ થયો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગોલરના નામે છે હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ
આઈપીએલમાં સર્વોચ્ચ ટીમ સ્કોરનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના નામે છે. બેંગલોરે 2013ની સિઝનમાં પૂણે વોરિયર્સ ટીમ સામે 20 ઓવરમાં પાંચ વિકેટે 263 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જ્યારે હવે બીજા ક્રમે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ આવી ગઈ છે. જેણે 257 રન ફટકાર્યા છે. જ્યારે ત્રીજા ક્રમે પણ બેંગોલર ટીમ જ છે. બેંગલોરે 2016ની સિઝનમાં ગુજરાત લાયન્સ વિરુદધ 248 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે 2010માં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 246 રન ફટકાર્યા હતા જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે 2018માં કિંગ્સ ઈલેવન પંજાબ સામે 245 રનનો સ્કોર ખડકી દીધો હતો.