આઈસીસીની જાહેરાત બાદ કુમાર ધર્મસેના ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે અને ભારતીય ક્રિકેટપ્રેમીઓનું કહેવું છે કે હવે ભારતનો પરાજય નક્કી થઈ ગયો છે. એક યુઝરે લખ્યું છે કે, ધર્મસેના ઘણા જ પક્ષપાતી અમ્પાયર છે. તેમણે 2019ના વર્લ્ડકપ ફાઈનલમાં જે કર્યું હતું તે જોયા પછી તેમના પર વિશ્વાસ કરી શકાય નહીં. એક યુઝરે લખ્યું છે કે, તેમની ફેવરિટ ટીમ ઈંગ્લેન્ડ છે અને તે ઈંગ્લેન્ડને સપોર્ટ કરશે. એક યુઝરે લખ્યું કે હવે ઈંગ્લેન્ડ 12 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે.
2019માં ઈંગ્લેન્ડમાં વન-ડે વર્લ્ડ કપ રમાયો હતો. આ વર્લ્ડ કપની ફાઈનલમાં અમ્પાયર તરીકે કુમાર ધર્મસેના હતા અને તેમણે એક વિવાદાસ્પદ નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ધર્મસેનાએ ઓવર થ્રોને લઈને વિવાદાસ્પદ નિર્ણય આપ્યો હતો. જેના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ તેના પ્રથમ વર્લ્ડ કપ જીતવાથી વંચિત રહી હતી.
શું હતો ફાઈનલનો વિવાદ
ફાઈનલમાં ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સામે છેડે આદિલ રાશિદ હતો. સ્ટોક્સે બોલને ડીપ મિડવિકેટ પર ફટકાર્યો હતો અને બે રન લેવાનો પ્રયાસ કર્યો હતો. ન્યૂઝીલેન્ડના ફિલ્ડર માર્ટિન ગુપ્ટિલે થ્રો કર્યો હતો. સ્ટોક્સે બીજો રન પૂર કરવા માટે ડાઈવ લગાવી હતી. ત્યારે ગુપ્ટિલે થ્રો કરેલો બોલ સ્ટોક્સના બેટને અડીને બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો. અમ્પાયર ધર્મસેનાએ ઈંગ્લેન્ડને છ રન આપ્યા હતા. ગુપ્ટિલે બીજો રન દોડતા પહેલા જ થ્રો કર્યો હતો જેના કારણે ફક્ત પાંચ રન આપવા જોઈતા હતા.
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે સેમિફાઈનલ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 10મીએ સેમિફાઈનલ રમાશે તે પહેલા 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ સેમિફાઈનલ રમાશે. બુધવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી આ મેચ માટે પણ અમ્પાયર્સની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં મારિયસ એરાસ્મસ અને રિચર્ડ ઈલિંગવર્થ ગ્રાઉન્ડ અમ્પાયર રહેશે. આઈસીસી એ સિડનીમાં પ્રથમ સેમિફાઈનલ માટે રિચાર્ડ કેટલબોલોને થર્ડ અમ્પાયર અને માઈકલ ગફને ફોર્થ અમ્પાયર રાખ્યા છે. જ્યારે ક્રિસ બોર્ડ મેચ રેફરી રહેશે.