ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં 188 રને વિજય નોંધાવ્યો હતો. જેમાં કુલદીપ યાદવ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે મેચમાં આઠ વિકેટ ઝડપી હતી જ્યારે પ્રથમ દાવમાં 40 રનની મહત્વની ઈનિંગ્સ પણ રમી હતી. બીજી અને અંતિમ ટેસ્ટમાં કુલદીપને અંતિમ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું જેના કારણે ક્રિકેટપ્રેમીઓને પણ આશ્ચર્ય થયં હતું. ભારતીય ટીમ મેનેજમેન્ટે વધારાના ઝડપી બોલર તરીકે સૌરાષ્ટ્રના સ્ટાર જયદેવ ઉનડકટને સામેલ કર્યો હતો.
ઉમેશ યાદવે પ્રથમ દિવસની રમત પૂરી થયા બાદ જણાવ્યું હતું કે, આ તમારી કારકિર્દીનો ભાગ છે. આ મારી સાથે પણ થઈ ચૂક્યું છે. ઘણી વખત તમે તમારા પ્રદર્શનના કારણે ટીમની બહાર થાવ છો તો ક્યારેક ટીમ મેનેજમેન્ટ આ પ્રકારનો નિર્ણય લે છે. તમારી ટીમની જરૂરિયાત પ્રમાણે આગળ વધવાનું હોય છે. કુલદીપ યાદવે પુનરાગમન કર્યું અને તેણે ધમાકેદાર પ્રદર્શન કર્યું.
મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં હાલમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણની જવાબદારી ઉમેશ યાદવ પર છે. બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ઉમેશ યાદવે ઘાતક બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે 15 ઓવરમાં 25 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ ચાર વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે જયદેવ ઉનડકટને એક સફળતા મળી હતી. બાંગ્લાદેશનો પ્રથમ દાવ 227 રનમાં સમેટાઈ ગયો હતો. જેના જવાબમાં પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 19 રન નોંધાવ્યા હતા.