હૈદરાબાદ સામે લખનૌનો આસાન વિજય
લખનૌ સુપર જાયન્ટ્સ સામે 122 રનનો આસાન લક્ષ્યાંક હતો અને તેને પાર પાડવામાં લોકેશ રાહુલની આગેવાનીવાળી ટીમને કોઈ મુશ્કેલી નડી ન હતી. કાયલે માયર્સ અને લોકેશ રાહુલની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત કરી હતી. પરંતુ માયર્સ 13 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે દીપક હૂડા સાત રન જ નોંધાવી શક્યો હતો. જોકે, કેપ્ટન રાહુલ અને કૃણાલ પંડ્યાએ બાજી સંભાળી હતી. બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરનારા કૃણાલ પંડયાએ બેટિંગમાં પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે 23 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર સાથે 34 રન ફટકાર્યા હતા. જ્યારે રાહુલે 31 બોલમાં 35 રન નોંધાવ્યા હતા. હૈદરાબાદ માટે આદિલ રાશિદે બે તથા ઉમરાન મલિક, ફઝલહક ફારૂકી અને ભુવનેશ્વર કુમારે એક-એક વિકેટ ઝડપી હતી.
લખનૌના બોલર્સનું શાનદાર પ્રદર્શન, મોટો સ્કોર ન કરી શક્યું હૈદરાબાદ
હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, લખનૌના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને હૈદરાબાદને મોટો સ્કોર કરવા દીધો ન હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 121 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર મયંક અગ્રવાલ આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં અનમોલપ્રીત સિંહ અને રાહુલ ત્રિપાઠીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ જોડી પણ વધારે સમય ટકી શકી ન હતી. અનમોલપ્રીતે 26 બોલમાં 31 રન નોંધાવ્યા હતા જ્યારે ત્રિપાઠી 41 બોલમાં 35 રન નોંધાવીને આઉટ થયો હતો.
બાદમાં ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી. કેપ્ટન એઈડન માર્કરામ ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે હૈરી બ્રૂક ત્રણ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. વોશિંગ્ટન સુંદરે 16 તથા અબ્દુલ શમદે 10 બોલમાં એક ચોગ્ગા અને બે સિક્સરની મદદથી અણનમ 21 રનનું યોગદાન આપ્યું હતું. લખનૌ માટે કૃણાલ પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે અમિત મિશ્રાને બે તથા યશ ઠાકુર અને રવિ બિશ્નોઈને એક-એક સફળતા મળી હતી.