કોલકાતા નાઈટ રાઈડર્સ બે વખતની ચેમ્પિયન ટીમ છે. તેના બે ખેલાડીઓ સાકિબ અલ હસન અને શ્રેયસ ઐય્યર ટુર્નામેન્ટની બહાર થઈ ગયા છે જ્યારે તેના બદલે ટીમે એકમાત્ર જેસન રોયને ટીમમાં સામેલ કર્યો છે. જોકે, ટીમ કેપ્ટન શ્રેયસ ઐય્યરના સ્થાને કોઈ અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરશે કે નહીં તે અંગે કંઈ જણાવ્યું નથી.
જેસન રોય અગાઉ 2017 અને 2018ની સિઝનમાં રમ્યો હતો. છેલ્લે તે 2021ની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો. 2021માં તેણે પાંચ મેચ રમી હતી જેમાં તેણે 150 રન નોંધાવ્યા હતા. જેમાં એક અડધી સદી સામમેલ હતી. 32 વર્ષીય ખેલાડી ઈંગ્લેન્ડ માટે 64 ટી20 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 137.61ની સ્ટ્રાઈક રેટ સાથે 1522 રન ફટકાર્યા છે જેમાં 8 અડધી સદી સામેલ છે.
બાંગ્લાદેશનો સ્ટાર ઓલ-રાઉન્ડર સાકિબ અલ હસન પારિવારીક કારણોસર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે કેપ્ટન શ્રેયસ ઐય્યર પણ ઈજાના કારણે બહાર થઈ ગયો છે. ટીમે નિતિશ રાણાને કાર્યકારી સુકાની બનાવ્યો છે. ટીમને લાગતું હતું કે શ્રેયસ ઐય્યર અડધેથી ટીમ સાથે જોડાશે પરંતુ તે હવે સમગ્ર ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ઐય્યર પીઠની ઈજાની સર્જરી કરાવશે તેથી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.