Today News

kkr vs gt, IPL: વિજય શંકરની તોફાની અડધી સદી, કોલકાતાને કચડીને ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું – ipl 2023 vijay shankar blitz powers gujarat titans to the top of the table

kkr vs gt, IPL: વિજય શંકરની તોફાની અડધી સદી, કોલકાતાને કચડીને ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું - ipl 2023 vijay shankar blitz powers gujarat titans to the top of the table


વિજય શંકરની તોફાની અડધી સદી તથા શુભમન ગિલ અને ડેવિડ મિલરની આક્રમક બેટિંગની મદદથી ગુજરાત ટાઈટન્સ ટીમે પોતાનું વિજય અભિયાન જારી રાખ્યું છે. આ વિજય સાથે જ ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. ગુજરાતની ટીમે આઠમાંથી છ મેચ જીતી છે અને તેની પાસે 12 પોઈન્ટ છે. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં શનિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સાત વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. ગુજરાતે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. અફઘાનિસ્તાની ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝની તોફાની અડધી સદીની મદદથી કોલકાતાએ 20 ઓવરમાં સાત વિકેટે 179 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ગુજરાતની ટીમે 17.5 ઓવરમાં ફક્ત ત્રણ વિકેટે 180 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.

વિજય શંકરની તોફાની અડધી સદી, ગિલ અને મિલરની આક્રમક બેટિંગ
ગુજરાત સામે 180 રનનો લક્ષ્યાંક હતો પરંતુ ઓપનર શુભમન ગિલ, વિજય શંકર અને ડેવિડ મિલરની આક્રમક બેટિંગની મદદથી આ લક્ષ્યાંક આસાન બની ગયો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. રિદ્ધિમાન સહા 10 બોલમાં 10 રન નોંધાવીને આઉટ થયો હતો. ઓપનર શુભમન ગિલ અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ ત્યારબાદ બાજી સંભાળી હતી. હાર્દિક પંડ્યા 20 બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 26 રન ફટકારીને આઉટ થઈ ગયો હતો. શુભમન ગિલ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો પરંતુ તે એક રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 35 બોલમાં 49 રન નોંધાવ્યા હતા જેમાં આઠ ચોગ્ગા સામેલ હતા.

શુભમન આઉટ થયા બાદ વિજય શંકર અને ડેવિડ મિલરે તોફાની બેટિંગ કરીને ટીમને આસાન વિજય અપાવ્યો હતો. આ જોડીએ 87 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. જેમાં વિજય શંકર પોતાની અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો હતો. વિજય શંકરે 24 બોલમાં 51 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જેમાં બે ચોગ્ગા અને પાંચ સિક્સર સામેલ હતી. જ્યારે ડેવિડ મિલરે 18 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી અણનમ 32 રન ફટકાર્યા હતા. કોલકાતા માટે હર્ષિત રાણા, આન્દ્રે રસેલ અને સુનીલ નરૈને એક-એક વિકેટ ઝડપી હતી.

ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝની ઝંઝાવાતી અડધી સદી
ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને કોલકાતા નાઈટ રાઈડર્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. કોલકાતા માટે વિકેટકીપર ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે ઝંઝાવાતી બેટિંગ કરી હતી. જેના કારણે કોલકાતા 20 ઓવરમાં સાત વિકેટે 179 રનનો સ્કોર નોંધાવવામાં સફળ રહ્યું હતું. એન જગદીશન અને ગુરબાઝની ઓપનિંગ જોડીએ ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટીમનો સ્કોર 23 રન હતો ત્યારે જગદીશન આઉટ થઈ ગયો હતો. તેણે 15 બોલમાં ચાર ચોગ્ગા સાથે 19 રન નોંધાવ્યા હતા. જ્યારે ગુરબાજે આક્રમક બેટિંગ જારી રાખી હતી.

જોકે, સામે છેડે બાદમાં ઉપરા-ઉપરી વિકેટો પડી રહી હતી. શાર્દૂલ ઠાકુર ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે વેંકટેશ ઐય્યરે 11 અને કેપ્ટન નિતિશ રાણાએ ચાર રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન ગુરબાઝે પોતાની અડધી સદી પૂરી કરી હતી. ગુરબાજે 39 બોલમાં 81 રન ફટકાર્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને સાત સિક્સર સામેલ હતી. રિંકુ સિંહે 19 અને આન્દ્રે રસેલે 19 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત માટે મોહમ્મદ શમીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે જોશુઆ લિટલ અને નૂર અહેમદે બે-બે વિકેટ પોતાના નામે કરી હતી.

Exit mobile version