કેપ્ટન ડેવિડ વોર્નરની અડધી સદી, દિલ્હી કેપિટલ્સનો પ્રથમ વિજય
128 રનના લક્ષ્યાંકના જવાબમાં દિલ્હીએ કેપ્ટન ડેવિડ વોર્નરની અડધી સદીની મદદથી ટુર્નામેન્ટમાં પ્રથમ વિજય નોંધાવ્યો હતો. ઓપનર વોર્નરે ટીમને સારી શરૂઆત અપાવી હતી. પરંતુ સામે છેડે પૃથ્વી શો 13 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે મિચેલ માર્શ બે અને ફિલિપ સોલ્ટ પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા. વોર્નરે 41 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 57 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે મનીષ પાંડેએ 21 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલે અણનમ 19 અને લલિત યાદવે અણનમ ચાર રન નોંધાવ્યા હતા. કોલકાતા માટે વરૂણ ચક્રવર્તી, અનુકુલ રોય અને નિતિશ રાણાએ બે-બે વિકેટ ઝડપી હતી.
દિલ્હીના બોલર્સ સામે કોલકાતાના બેટર્સનો ફ્લોપ શો
દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને કોલકાતા નાઈટ રાઈડર્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, કોલકાતાના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. જેના કારણે ટીમ 20 ઓવરમાં 127 રનના સ્કોરે ઓલ-આઉટ થઈ ગઈ હતી. ઓપનર જેસન રોય અને આન્દ્રે રસેલને બાદ કરતાં કોઈ બેટર વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો. ટીમની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. 64 રનના સ્કોર પર અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. ઓપનર લિટન દાસ ચાર, વેંકટેશ ઐય્યર શૂન્ય અને કેપ્ટન નિતિશ રાણા ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા.
ઓપનર જેસન રોય ટકી રહ્યો હતો પરંતુ તેની બેટિંગ ધીમી રહી હતી. તેણે 39 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 43 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે આન્દ્રે રસેલે 31 બોલમાં એક ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી અણનમ 38 રન નોંધાવ્યા હતા. રિંકુ સિંહ છ અને સુનીલ નરૈન ચાર રન નોંધાવીને આઉટ થયા હતા. દિલ્હી માટે ઈશાન્ત શર્મા, નોર્ટજે, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે બે-બે તથા મુકેશ કુમારે એક વિકેટ ઝડપી હતી.