કિંજલ દવેના ગીત ગાવા પર પ્રતિબંધ
1 ઓક્ટોબર 2022ના રોજ ટ્રાયલ કોર્ટે કિંજલ દવે, આરડીસી મીડિયા અને સ્ટુડિયો સરસ્વતીને આદેશ કર્યો હતો કે, જ્યાં સુધી કોપીરાઈટના કેસનો નિવેડો ના આવી ત્યાં સુધી વિવાદમાં રહેલા આ ગીતને તેઓ કેસેટ કે સીડીના રૂપમાં વેચી શકશે નહીં અને લાઈવ કોન્સર્ટમાં પણ તેને ગાઈ શકાશે નહીં. ઉલ્લેખનીય છે કે, રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડે કોપીરાઈટ ભંગનો કેસ દાખલ કર્યો છે.
હાઈકોર્ટે શું કહ્યું?
ટ્રાયલ કોર્ટના સ્ટે ઓર્ડરને કિંજલ દવેએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે જસ્ટિસ આર. એમ. સરીને કહ્યું, “અહીં રજૂ કરવામાં આવેલા પુરાવાને ધ્યાનમાં લેતાં કોર્ટનો અભિપ્રાય છે કે, આ વિવાદમાં મુખ્ય પુરાવાની જરૂર છે અને તે ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા પછી તેનો ઉકેલ લાવી શકાય છે.” બંને પક્ષકારોના વકીલોએ ટ્રાયલ જલ્દી પૂરો કરવા માટે હામી ભરી હતી, જેથી હાઈકોર્ટે નીચલી અદાલતને આદેશ કર્યો કે, તેઓ કેસની સુનાવણી વહેલી તકે પૂરી કરે અને 3-4 મહિનામાં કેસનો નિકાલ કરી દે.
શું છે સમગ્ર વિવાદ?
કેસની વિગતવાર વાત કરીએ તો, ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત આરડીસી ગુજરાતી ચેનલ દ્વારા 20 ડિસેમ્બર 2016ના રોજ અપલોડ કરવામાં આવ્યું હતું. ગીત રિલીઝ થતાંની સાથે જ હિટ થયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબન એન્ટરટેઈનમેન્ટે કોપીરાઈટનો ભંગ થયો હોવાનો દાવો કરતાં કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં રહેતા કાર્તિક પટેલે નવેમ્બર 2015માં આ ગીતની સંકલ્પના કરી હતી. કાઠિયાવાડી કિંગ્સની મદદથી તેણે 29 સપ્ટેમ્બર 2016ના રોજ આ વિડીયો અપલોડ કર્યો હતો. આરડીસી ગુજરાતી ચેનલ વિડીયો અપલોડ કરે તે પહેલા તેણે અપલોડ કર્યો હતો જેથી કાર્તિક પટેલ કોપીરાઈટ કરેલા આ ગીતનો અસલી માલિક છે તેમ કહેવામાં આવ્યું હતું. 2019માં રેડ રિબન એન્ટરટેઈનમેન્ટે કેસ દાખલ કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, એક મહિના બાદ આરડીસી સ્ટુડિયો અને સરસ્વતી સ્ટુડિયોએ રોયલટી આપવાની તૈયારી દર્શાવી હતી. આ પહેલા કોમર્શિયલ કોર્ટમાં કરાયેલો દાવો કિંજલ દવે દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા પાછો ખેંચવામાં આવ્યો હતો.
કિંજલે કર્યા હતા આ આક્ષેપ
બીજી તરફ કિંજલ દવે અને તેના સાથીઓએ દાવો કર્યો કે, કાર્તિક પટેલે ગીતની ઉઠાંતરી કરી છે. આ ગીત મનુભાઈ રબારીએ 2014-15માં લખ્યું હતું અને મયૂર મહેરાએ કમ્પોઝ કર્યું હતું. આ ગીત પર કાર્તિક પટેલનો એક્સક્લુઝિવ કોપીરાઈટ હોવાનો રેડ રિબનનો દાવો વિવાદગ્રસ્ત થયો હતો અને તેમણે જણાવ્યું હતું કે જય પિત્રોળાના નામે કોપીરાઈટ કરવામાં આવ્યો હતો. જોકે, રેડ રિબને દલીલ કરતાં કહ્યું કે, જય પિત્રોળાએ કાર્તિક પટેલને કોપીરાઈટ કરેલા આ ગીતનો માલિક જાહેર કર્યો હતો.