ગયા શનિવારે ફિલિપાઈન્સને T20 વર્લ્ડ કપના પૂર્વ એશિયા-પેસિફિક ક્વોલિફાયરમાં વનુઆતુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ફિલિપાઈન્સના પરાજય છતાં કેપ્લર લુકીસના પરફોર્મન્સની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. 16 વર્ષીય ઝડપી બોલર ફિલિપાઈન્સ માટે નવા બોલથી તબાહી મચાવી દીધી હતી. ફિલિપાઈન્સ ટીમ 94 રનના લક્ષ્યાંકનો બચાવ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. કેપ્લર લુકિસને તેની પ્રથમ સફળતા ત્રીજી ઓવરમાં મળી જ્યારે તેણે ક્લેમેન્ટ ટુમીને આઉટ કર્યો હતો.
ત્યારપછીની ઓવરમાં લુકિસે એન્ડ્રુ મેન્સેલ, રોનાલ્ડ તારી અને જોશુઆ રાસુની ત્રણ વિકેટ ઝડપી હતી. તારી અને રાસુ તેમના ખાતા પણ ખોલી શક્યા ન હતા. કેપ્લર લુકિસે જુનિયર કાલટાપાઉને આઉટ કરીને તેનો 5મો શિકાર કર્યો હતો. તે પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. કેપ્લર લુકીસે પોતાની 4 ઓવરના સ્પેલમાં 10 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
કેપ્લર લુકિસ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની વયે પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ સિએરા લિયોનના સેમ્યુઅલ કોન્ટેહના નામે હતો, જેણે 2021માં નાઈજીરિયા સામે 18 વર્ષ અને 29 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેના પહેલા અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાને 2017માં આયર્લેન્ડ સામે 18 વર્ષ અને 171 દિવસની ઉંમરમાં પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રાશિદ ખાનની ગણના વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરમાં થાય છે. અફઘાનિસ્તાની ટીમની સફળતામાં તેનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે.