રાજસ્થાન રોયલ્સ માટે ઓપનિંગમાં જોસ બટલર આવતો હોય છે. જ્યારે પંજાબ કિંગ્સ સામેના મુકાબલામાં ટમે જોસ બટલરની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને મોકલ્યો હતો. આ જોઈને તમામ લોકોને નવાઈ લાગી. રાજસ્થાનના આ નિર્ણયને કોઈ સમજી શક્યું ન હતું, કારણ કે બટલર પાવરપ્લેમાં તેની આક્રમક શૈલી માટે જાણીતો છે. એટલું જ નહીં પરંતુ તેણે છેલ્લી મેચમાં અડધી સદી પણ ફટકારી હતી. પરંતુ મેચ બાદ કેપ્ટન સંજુ સેમસને ખુલાસો કર્યો અને કહ્યું કે બટલર ઈજાગ્રસ્ત હતો તેથી તેને ઓપનિંગ કરવા માટે મોકલવામાં આવ્યો ન હતો.
બટલરની આંગળી પર ટાંકા આવ્યા
હકિકતમાં પંજાબ કિંગ્સની ઈનિંગ્સની છેલ્લી ઓવરમાં જોસ બટલરે શાહરૂખ ખાનને આઉટ કરવા માટે એક અદ્ભુત કેચ કર્યો હતો. તે કેચ પકડતી વખતે જોસ બટલર ઈજાગ્રસ્ત થયો હતો. તેની આંગળીમાં ઈજા થઈ હતી. આ જ કારણ હતું કે તે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરવા ન આવ્યો અને તેની જગ્યાએ અશ્વિનને મોકલવામાં આવ્યો હતો. કેપ્ટન સંજુ સેમસને મેચ બાદ કહ્યું હતું કે, ‘જોસ બટલર ફિટ નહોતો, કેચ પકડ્યા બાદ તેની આંગળીમાં ઈજા થઈ હતી અને તેને ટાંકા આવ્યા છે. દેવદત્ત પડિક્કલને ઓપનિંગ માટે મોકલવામાં આવ્યો ન હતો કારણ કે પંજાબ કિંગ્સ પાસે એક લેફ્ટ આર્મ અને એક લેગ સ્પિનર એમ કુલ બે સ્પિનર હતા.
નોંધનીય છે કે દેવદત્ત પડિકલ પણ ઓપનર છે. તેણે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે ઓપનરની ભૂમિકા પણ ભજવી છે. આટલું જ નહીં ઓપનિંગ દરમિયાન પડિક્કલે રાજસ્થાન રોયલ્સ સામે સદી પણ ફટકારી હતી. જોસ બટલરની ઈજા વધારે ગંભીર નથી. તેથી તે ઝડપથી ફિટ થઈ જશે. બટલરે ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.