12 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં સામેલ થયો ઉનડકટ
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ અગાઉ સુકાની રોહિત શર્માને ઈજા થઈ હોવાના કારણે તે પ્રથમ ટેસ્ટ રમી શકવાનો નથી. તેના સ્થાને લોકેશ રાહુલ ટેસ્ટ ટીમની કેપ્ટનસી કરશે. પ્રથમ ટેસ્ટમાં 31 વર્ષીય જયદેવ ઉનડકટને અંતિમ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. જો ઉનડકટને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ રમવા મળશે તો તે 12 વર્ષ બાદ ટેસ્ટ મેચ રમતો જોવા મળશે. તેણે ટીમ ઈન્ડિયા માટે પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટ ડિસેમ્બર 2010માં સાઉથ આફ્રિકા સામે સેન્ચ્યુરિયનમાં રમી હતી.
શા માટે અચાનક જ ઉનડકટને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો?
ઝડપી બોલર જયદેવ ઉનડકટે તાજેતરમાં જ સમાપ્ત થયેલી વિજય હઝારે ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તેણે 10 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. તેના આ ઘાતક પ્રદર્શનને ધ્યાનમાં રાખતા તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. જયદેવ ઉનડકટે અત્યાર સુધીમાં પોતાની કારકિર્દીમાં ભારત માટે એક ટેસ્ટ, સાત વન-ડે અને 10 ટી20 મેચ પણ રમી છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં જયદેવ ઉનડકટનું પ્રદર્શન
જયદેવ ઉનડકટે ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. તેણે 96 મેચમાં 353 વિકેટ પોતાના નામે કરી છે. તેણે રણજી ટ્રોફી 2019-20 સિઝનમાં ધમાકેદાર પ્રદર્શન કરતા 67 વિકેટ પોતાના નામે કરી હતી. તેના આ લાજવાબ પ્રદર્શનની મદદથી જ સૌરાષ્ટ્રની ટીમ પ્રથમ વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બની હતી. જયદેવ ઉનડકટ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના સૌથી સફળ ઝડપી બોલરમાં સામેલ છે.