આ પહેલા બુમરાહે સપ્ટેમ્બરમાં ભારત માટે અંતિમ ટી20 મેચ રમી હતી. તે વખતે પણ બુમરાહે પીઠની ઈજા બાદ કમબેક કર્યું હતું અને ફક્ત એક મેચ રમીને ફિટનેસના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ફિટનેસ ક્યારે સારી છે અને ક્યારે ખરાબ તે કંઈ કહી શકાય નહીં. એવું લાગી રહ્યું છે કે તે ફિટનેસ નહીં પરંતુ મૂડ છે. ક્યારે સારો થઈ જાય અને ક્યારે ખરાબ તે કહીં શકાય નહીં.
જોકે, છેલ્લા ઘણા સમયથી મોટા ખેલાડીઓને અવાર-નવાર બ્રેક આપવામાં આવી રહ્યો છે અને વર્કલોડની વાતો કરવામાં આવે છે. જેને લઈને ઘણા દિગ્ગજ ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ સવાલો ઉઠાવ્યા છે. ખેલાડીઓ આઈપીએલમાં આખી સિઝન રમે છે અને જ્યારે દેશ માટે રમવાની વાત આવે છે ત્યારે તેમને અવાર-નવાર આરામ આપવામાં આવે છે. બીસીસીઆઈ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની પાસે રૂપિયાની ખોટ નથી અને એવી કોઈ સારવાર નથી કે તે ન કરાવી શકે. એવામાં બુમરાહની ઈજાનું કારણ અને સતત ફિટનેસની સમસ્યા કેમ થઈ રહી છે? આ વિચારવાની વાત છે અને બીસીસીઆઈ માટે પણ અલગ પ્રકારનો પડકાર છે.
જુલાઈ 2022માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સીરિઝમાં બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ અંતર્ગત આરામ આપવામાં આવ્યો હતો. જોકે, આશ્ચર્યની વાત એ હતી કે આ બ્રેક દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. એટલે કે રમ્યા વગર જ ઈજાગ્રસ્ત થયો હતો અને એશિયા કપમાં બુમરાહ વગર જ ભારતીય ટીમે રમવું પડ્યું હતું. ત્યારબાદ સાઉથ આફ્રિકા વિરુદ્ધ સીરિઝ માટે તેને ટીમમાં સામેલ કરવામા આવ્યો હતો પરંતુ તેના પહેલા જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફક્ત બે ટી20 મેચ રમીને તે બહાર થઈ ગયો હતો.
ટી20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઈ એ તેની ફિટનેસને અંતિમ સમય સુધી રાહ જોઈ હતી પરંતુ ટીમને તેના વગર જ ઓસ્ટ્રેલિયા જવું પડ્યું હતું. આઈસીસી ટુર્નામેન્ટ કેટલી મહત્વની છે તે વાત તેના પરથી સમજી શકાય છે કે વિરાટ કોહલીની કેપ્ટનસી આ જ શરતે ગઈ હતી. હવે રોહિત શર્માની કેપ્ટનસી સામે પણ તલવાર લટકી રહી છે.
જોકે, બુમરાહ અંગે લાંબા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે તેની પાછળ તેની અલગ બોલિંગ એક્શન મુખ્ય કારણ છે. જો આવું છે તો બુમરાહે તેના પર કામ કરવાની જરૂર છે. છેલ્લા ચાર વર્ષોમાં બુમરાહ સતત આ પ્રકારે શ્રેણીઓમાંથી બહાર થતો રહ્યો છે. ભારતનું મોટી ટુર્નામેન્ટ ન જીતી શકવા પાછળ તેની ફિટનેસ પણ એક કારણ છે. તે વાતમાં કોઈ શંકા નથી કે બુમરાહની હાજરીથી ભારતીય ટીમનું બોલિંગ આક્રમણ ખતરનાક બની જાય છે.