જે મેચ ભારતમાં હાથમાં હતી તેમાં કેએલ રાહુલે મહેદી હસનનો કેચ છોડ્યો હતો, જેનું ભારે નુકસાન ભારતીય ટીમે વેઠવું પડ્યું હતું. આ કારણે બાંગ્લાદેશ ચમત્કારિક રીતે 1 વિકેટથી જીત મેળવવામાં સફળ થયું હતું. આ જોઈને ભારતીય પૂર્વ દિગ્ગજ ખેલાડી પણ આશ્ચર્યમાં છે. ઈરફાન પઠાણને વિશ્વાસ નથી થઈ રહ્યો કે કઈ રીતે આવું થઈ ગયું. ઈરફાન પઠાણે ભારતની હાર બાદ ટ્વિટ કરીને લખ્યું છે કે, “આપણે કઈ રીતે મેચ હારી શકીએ” ઈરફાને માત્ર પાંચ શબ્દોનું જે વાક્ય લખ્યું છે તે વાયરલ થઈ રહ્યું છે.
43મી ઓવર હતી અને શાર્દુલ ઠાકુરના હાથમાં બોલ હતો. ચોથા બોલે મહેંદી હસને મોટો શોટ મારવાની કોશિશ કરી અને બોલ હવામાં ઉછળી ગયો હતો. જે વોશિંગટન સુંદરની નજીક હતો, અહીં સુંદર પાસે કેચની તક હતી પરંતુ તે પોતાની જગ્યા પરથી ખસ્યો જ નહીં. બાઉન્ડ્રી પાસે ઉભો રહીને બોલ પડવાની રાહ જોઈ રહ્યો હતો. આ બેદરકારી જોઈને રોહિત શર્મા ગુસ્સે થઈ ગયો હતો. તે મેદાન પર આવેશમાં ગાળો બોલતો પણ દેખાયો હતો.
આ પહેલા જ્યારે બાંગ્લાદેશને 46 બોલમાં 32 રનની જરુર હતી ત્યારે કેએલ રાહુલે પણ એક સરળ કેચ છોડ્યો હતો. શાર્દુલ ઠાકુરના બોલ પર મહેંદીએ જોરદાર શોટ મારવાની કોશિશ કરી હતી. પરંતુ બોલ હવામાં ઉછળ્યો હતો અને ફિલ્ડર બોલની નીચે પહોંચી ગયો હતો, પરંતુ વિકેટકીપર કેએલ રાહુલ પણ કેચ માટે ભાગતો હતો, પણ જેવો બોલ નીચે આવ્યો કે રાહુલે એક આસાન કેચ છોડી દીધો હતો. જો આ કેચ પકડાઈ ગયો હતો તો ભારત જીતી ગયું હોત.
રોહિત શર્માએ મેચ પછી કહ્યું કે, “સ્કોર ઘણો જ ઓછો હતો, પરંતુ અમે 30-40 રન વધુ બનાવ્યા હોત તો સારું અંતર ઉભું કરી શક્યા હોત. કેએલ રાહુલ અને વોશિંગટન સુંદરના કારણે અમે ત્યાં સુધી પહોંચી શક્યા હતા. બેડલકના કારણે અમે મધ્ય ઓવરોમાં વિકેટો ગુમાવી દીધી અને પરત ફરવું સરળ નહોતું. અંતિમ ઓવરોમાં અમારે એક વિકેટની જરુરી હતી.”