હકિકતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ નજમ સેઠીએ એક ‘હાઈબ્રિડ મોડલ’નો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી તેમના દેશમાં ચાર મેચ યોજવામાં આવે અને ભારત તટસ્થ સ્થળ (ન્યૂટ્રલ વેન્યુ) પર પોતાની મેચ રમે. સેઠીને IPL ફાઈનલ માટે ઔપચારિક રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી.
જય શાહે કહ્યું હતું કે, ‘એશિયા કપનું સ્થળ હજુ નક્કી થયું નથી. અમે અત્યારે IPLમાં વ્યસ્ત હતા, પરંતુ શ્રીલંકા ક્રિકેટ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ટોચના અધિકારીઓ IPL ફાઈનલ જોવા આવી રહ્યા છે. ત્યારે અમે તેના પર ચર્ચા કરીશું અને યોગ્ય સમયે નિર્ણય લઈશું. ACCના સૂત્રોએ જણાવ્યું હતું કે, સેઠીનું સૂચિત હાઈબ્રિડ મોડલ એક વ્યવહારુ ઉકેલ હોવાનું જણાય છે, પરંતુ ACCએ કોઈ ઔપચારિક નિવેદન આપ્યું નથી.
આ મોડેલ મુજબ શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને અફઘાનિસ્તાનની લીગ રાઉન્ડની ચાર મેચો પાકિસ્તાનમાં યોજાશે જ્યારે ભારત તેની મેચો તટસ્થ સ્થળોએ રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની બે મેચ શ્રીલંકામાં યોજાશે. જોકે પીસીબી આ મેચ દુબઈમાં કરાવવા માંગે છે. સપ્ટેમ્બરમાં UAEમાં હવામાન 50 ઓવરની મેચો યોજવા માટે અનુકૂળ રહેશે નહીં પરંતુ લોજિસ્ટિક્સ અને વ્યવસ્થાના સંદર્ભમાં UAE ACC માટે વધુ સારો વિકલ્પ હશે.
ACC સૂત્રોએ નામ ન જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, ACCના વડા જય શાહ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક બોલાવશે જ્યાં આ અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. પીસીબીને ભારત સામે તટસ્થ સ્થળે રમવામાં કોઈ સમસ્યા નથી. PCB દુબઈને પ્રાથમિકતા આપશે કારણ કે તે ટિકિટમાંથી વધુ પૈસા મેળવશે પરંતુ તે અન્ય કોઈપણ દેશમાં રમવા માટે તૈયાર છે. જો હાઈબ્રિડ મોડલને મંજૂરી મળશે તો પાકિસ્તાન દેશમાં ચાર મેચોનું આયોજન કરશે. આમાં નેપાળ વિરુદ્ધની તેમની મેચ તેમજ શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ, બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન અને અફઘાનિસ્તાન વિરુદ્ધ શ્રીલંકાનો સમાવેશ થાય છે.
ટુર્નામેન્ટના ફોર્મેટ મુજબ દરેક ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સુપર ફોરમાં આગળ વધશે જ્યાં તેઓ ફરીથી એકબીજા સાથે રમશે. સુપર ફોર રાઉન્ડ-રોબિન તબક્કા પછી ટોચની બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે. સુપર ફોર એ સુનિશ્ચિત કરશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી બે મેચ હોય, જે યજમાન રાષ્ટ્ર, બ્રોડકાસ્ટર્સ અને ACC માટે ફાયદાકારક હોય. જો ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં પહોંચશે તો આ બે કટ્ટર હરીફ વચ્ચે ત્રણ મેચ થશે.