ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રવિવારે ફાઈનલ રમાવાની હતી પરંતુ વરસાદ કારણે તે શક્ય બની ન હતી. જેના કારણે મેચ સોમવારે રિઝર્વ ડે પર રમાઈ હતી. જેમાં ચેન્નઈએ ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાતે સાઈ સુદર્શનના 96 અને રિદ્ધમાન સહાના 54 રનની મદદથી ગુજરાતે નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 214 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ગુજરાતની ઈનિંગ્સ બાદ વરસાદનું વિઘ્ન આવ્યું હતું. બાદમાં મેચની ઓવર ઘટાડી દેવામાં આવી હતી. ચેન્નઈ સામે 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. જેને ચેન્નઈએ 15મી ઓવરના અંતિમ બોલ પર જીતી લીધી હતી. અંતિમ બે બોલમાં 10 રન જોઈતા હતા ત્યારે રવિન્દ્ર જાડેજાએ પાંચમાં બોલ પર સિક્સર અને અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
વરસાદના કારણે ચેન્નઈ ઓવર્સ ઘટાડી દેવામાં આવી હતી
ગુજરાત ટાઈટન્સની ઈનિંગ્સ પૂરી થયા બાદ 9.30 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. જોકે, થોડા સમય બાદ વરસાદ બંધ થઈ જતાં ચેન્નઈ સુપર કિંગ્સની ઈનિંગ્સ શરૂ થઈ હતી. પરંતુ ફક્ત ત્રણ બોલ ફેંકાયા હતા ત્યારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ રમત ફરીથી બંધ કરવી પડી હતી. જેને ફરીથી શરૂ થતાં બે કલાક જેટલો સમય લાગ્યો હતો. અંતે મેચની ઓવર ઘટાડી દેવામાં આવી હતી અને ચેન્નઈ સામે 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક આવ્યો હતો.
જાડેજા અને રાયડુનો સપાટો, પણ ધોની ખાતું પણ ન ખોલાવી શક્યો
ચેન્નઈ સામે 15 ઓવરમાં 171 રનનો લક્ષ્યાંક હતો. જેની સામે ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડની ઓપનિંગ જોડીએ ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. આ જોડીએ 6.3 ઓવરમાં 74 રનની ભાગીદારી નોંધાવી હતી. ઋતુરાજ 16 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 26 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે કોનવેએ 25 બોલમાં ચાર ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 47 રન નોંધાવ્યા હતા. જ્યારે અજિંક્ય રહાણે 13 બોલમાં બે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 27 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી.
જોકે, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિરાશ કર્યા હતા. ધોની ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો. જ્યારે પોતાની અંતિમ આઈપીએલ રમનારા અંબાતી રાયડુએ આઠ બોલમાં એક ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 19 રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી. જ્યારે શિવમ દૂબએ 21 બોલમાં અણનમ 32 રનની ઈનિંગ્સ રમી હતી. પરંતુ રવિન્દ્ર જાડેજાએ રંગ રાખ્યો હતો. અંતિમ બે બોલમાં ચેન્નઈને જીતવા માટે 10 રનની જરૂર હતી ત્યારે જાડેજાએ પાંચમાં બોલ પર સિક્સર ફટકારી હતી જ્યારે અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો અને ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેણે અણનમ 15 રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી. ગુજરાત માટે મોહિત શર્માએ ત્રણ તથા નૂર અહેમદે બે વિકેટ ઝડપી હતી.
સાઈ સુદર્શનની ઝંઝાવાતી ઈનિંગ્સ, રિદ્ધિમાન સહાની આક્રમક બેટિંગ
ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાત માટે રિદ્ધિમાન સહા અને શુભમન ગિલની જોડી ઓપનિંગમાં આવી હતી. શુભમન ગિલ વર્તમાન સિઝનમાં સૌથી ખતરનાક બેટર રહ્યો છે અને તેણે સહા સાથે મળીને ટીમને આક્રમક શરુઆત અપાવી હતી. આ જોડીએ સાત ઓવરમાં 67 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, રવિનદ્ર જાડેજાના એક બોલને પારખવામાં થાપ ખાઈ જતાં ગિલ ધોનીના હાથે સ્ટમ્પ આઉટ થયો હતો. તેણે 20 બોલમાં સાત ચોગ્ગા સાથે 39 રન ફટકાર્યા હતા. ત્યારબાદ સાઈ સુદર્શન બેટિંગમાં આવ્યો હતો અને તેની બેટિંગ ગુજરાતની ઈનિંગ્સનું આકર્ષણ રહી હતી.
બીજી તરફ રિદ્ધિમાન સહાએ પણ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. તેણે પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 39 બોલમાં 54 રન ફટકાર્યા હતા. જોકે, ગુજરાતે 20 ઓવરમાં ચાર વિકેટે 214 રનનો સ્કોર ખડક્યો હતો તેમાં સૌથી મોટો ફાળો સાઈ સુદર્શનનો રહ્યો હતો. પરંતુ કમનસીબે તે ચાર રન માટે પોતાની સદી ચૂકી ગયો હતો. તેણે 47 બોલનો સામનો કર્યો હતો અને તેમાં છ ચોગ્ગા અને આઠ સિક્સરની મદદથી 96 રનની તાબડતોબ ઈનિંગ્સ રમી હતી. જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 12 બોલમાં બે સિક્સર સાથે અણનમ 21 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નઈ માટે પથિરાનાએ બે તથા દીપક ચહર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી.